મોહાલીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ટેસ્ટ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની 100મી ટેસ્ટ છે. તે પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ રમનાર 12મો ભારતીય બન્યો છે. આ પ્રસંગે ભારતીય ટીમના કોચ અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે કોહલીનું સન્માન કર્યું હતું. રાહુલ દ્રવિડે 100મી ટેસ્ટ રમવા માટે કોહલીને ખાસ કેપ સોંપી હતી. મોહાલીમાં સન્માન દરમિયાન કોહલીની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી.






વિરાટ કોહલીએ ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે જ્યારે તે ભારત માટે 100 ટેસ્ટ મેચ રમશે. તેણે કહ્યું કે તેણે આ રમત માટે પોતાનું સર્વસ્વ આપી દીધું અને તેમ છતાં તે દરેક મેચ પહેલા બેચેન રહે છે. શ્રીલંકા સામે શુક્રવારથી શરૂ થયેલી ટેસ્ટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ છે.


કોહલીએ 2011માં ડેબ્યૂ કર્યું હતું


કોહલીએ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે 4 અને 15 રન બનાવ્યા હતા. અત્યાર સુધી ટેસ્ટમાં કોહલીએ  50.39ની સરેરાશથી 7962 રન બનાવ્યા છે.


ક્યારેય વિચાર્યું નહોતું કે હું 100 ટેસ્ટ રમીશ


કોહલીએ કહ્યું હતું, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું 100 ટેસ્ટ મેચ રમીશ. તે એક લાંબી મુસાફરી છે. આ 100 ટેસ્ટ મેચ સુધી પહોંચતા હું ઘણુ ક્રિકેટ રમ્યો છું. હું નસીબદાર છું કે હું મારી 100મી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો છું.


આ મેચમાં સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને મંજૂરી આપવામાં આવી છે.આ અગાઉ ભારત માટે 100 ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓમાં સુનીલ ગવાસ્કર, દિલીપ વેંગસરકર, કપિલ દેવ, સચિન તેંડુલકર, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ અને ઈશાંત શર્માનો સમાવેશ થાય છે.