IND vs WI 3rd T20: કોલકાતામાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટી-20 શ્રેણીની છેલ્લી મેચ પહેલા વિરાટ કોહલીને બ્રેક આપવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી T20 પહેલા વિરાટ કોહલીને બાયો બબલમાંથી બ્રેક આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી ઘરે જવા રવાના થઈ ગયો છે. તે શનિવારે સવારે જ કોલકાતાથી રવાના થઇ ગયો છે. તે શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટી-20 સીરિઝમાં પણ નહી રમે. સૂત્રોના મતે કોહલી હવે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં મેદાનમાં રમતો જોવા મળશે. બીસીસીઆઈના એક સૂત્રએ એબીપી ન્યૂઝને આ વાતની પુષ્ટિ કરી છે.
વિરાટ 100મી ટેસ્ટની તૈયારી કરશે
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝ જીતી લીધી છે. મોહાલીમાં શ્રીલંકા સામે 4 માર્ચથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચ કોહલીના કરિયરની 100મી મેચ છે. વિરાટ આ મેચની તૈયારી શરૂ કરવા માંગે છે. કદાચ આ જ કારણસર તે આ મહિનાના અંતમાં રમાનારી શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં પણ રમવાનો નથી. નોંધનીય છે કે વિન્ડીઝ સામેની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવનારી ટીમ ઈન્ડિયા હવે ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં અનેક ફેરફાર કરી શકે છે. ટીમ મેનેજમેન્ટ એવા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે જેમને અત્યાર સુધી તક મળી નથી. વિરાટ બાદ કેટલાક અન્ય ખેલાડીઓને પણ વિન્ડીઝ સામેની ત્રીજી T20માં આરામ આપવામાં આવી શકે છે.
વિરાટે વિન્ડીઝ ટીમ સામેની બીજી ટી-20 મેચમાં શાનદાર ફિફ્ટી લગાવીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. ઇશાન કિશન અને રોહિત શર્મા જલદી આઉટ થઇ જતા ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી પરંતુ કોહલીએ 41 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી.