Virat Kohli century record: ભારતીય ક્રિકેટના 'રન મશીન' વિરાટ કોહલીએ ફરી એકવાર મેદાન પર પોતાની બાદશાહત સાબિત કરી છે. દક્ષિણ આફ્રિકા સામે રાયપુરમાં રમાયેલી બીજી વન-ડે (ODI) મેચમાં કોહલીએ શાનદાર 102 રનની ઇનિંગ રમીને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 84મી સદી ફટકારી છે. આ સીરીઝમાં તેમનું ફોર્મ જબરદસ્ત રહ્યું છે, કારણ કે પ્રથમ મેચ બાદ સતત બીજી મેચમાં પણ તેમના બેટમાંથી સદી જોવા મળી છે. આ સદી સાથે જ કોહલીએ વન-ડે ક્રિકેટમાં કુલ 53 સદીઓ પૂરી કરી છે. અહીં અમે તમને જણાવીશું કે કિંગ કોહલીએ કયા દેશ સામે સૌથી વધુ રન અને સદીઓ ફટકારી છે અને હવે તેઓ કયા મોટા રેકોર્ડની નજીક છે.
દક્ષિણ આફ્રિકા સામે 'કિંગ કોહલી'નો દબદબો
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શરૂઆતી નિષ્ફળતા બાદ વિરાટ કોહલીએ જબરદસ્ત વાપસી કરી છે. દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન શ્રેણીમાં તેમનું બેટ આગ ઓકી રહ્યું છે. રાયપુરમાં ફટકારેલી 102 રનની સદી સાથે હવે આફ્રિકન ટીમ સામે તેમની વન-ડે સદીનો આંકડો 7 પર પહોંચી ગયો છે. આ પ્રદર્શનથી એ સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે કોહલી 2027 ના વન-ડે વર્લ્ડ કપમાં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
શ્રીલંકા સામે સૌથી ખતરનાક રેકોર્ડ
વન-ડે ફોર્મેટમાં સદીઓના રેકોર્ડમાં વિરાટ કોહલી હાલ શિખર પર છે. આંકડાઓ પર નજર કરીએ તો, કોહલીને શ્રીલંકાના બોલરો સૌથી વધુ પસંદ છે. તેમણે શ્રીલંકા સામે રમેલી 56 મેચોની 54 ઇનિંગ્સમાં સૌથી વધુ 10 સદી ફટકારી છે. ત્યારબાદ બીજા ક્રમે વેસ્ટ ઇન્ડીઝ છે, જેની સામે કોહલીએ 43 મેચમાં 9 સદી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે વન-ડે સદીઓમાં સચિન તેંડુલકર (49) બીજા અને રોહિત શર્મા (33) ત્રીજા સ્થાને છે.
દેશ પ્રમાણે વિરાટ કોહલીની ODI સદીઓનું લિસ્ટ
વિરાટ કોહલીએ અત્યાર સુધી કુલ 14 દેશો સામે વન-ડે ક્રિકેટ રમી છે, જેમાંથી 9 દેશો સામે તેમણે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.
- શ્રીલંકા: 10 સદી
- વેસ્ટ ઈન્ડિઝ: 9 સદી
- ઓસ્ટ્રેલિયા: 8 સદી
- દક્ષિણ આફ્રિકા: 7 સદી
- ન્યુઝીલેન્ડ: 6 સદી
- બાંગ્લાદેશ: 5 સદી
- પાકિસ્તાન: 4 સદી
- ઇંગ્લેન્ડ: 3 સદી
- ઝિમ્બાબ્વે: 1 સદી
28,000 રનની ઐતિહાસિક સિદ્ધિની નજીક
રાયપુરમાં 102 રન બનાવીને આઉટ થયેલા કોહલી પાસે હવે વિશાખાપટ્ટનમમાં રમાનારી ત્રીજી વન-ડેમાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (Test, ODI, T20) માં મળીને 28,000 રન પૂરા કરવા માટે કોહલીને હવે માત્ર 90 રનની જરૂર છે. જો તે ત્રીજી મેચમાં આ રન બનાવી લેશે, તો તે સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા પછી આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો માત્ર ત્રીજો બેટ્સમેન બની જશે.