નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું છે.વિરાટ કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી ટેસ્ટ ટીમના કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી હતી. તેણે અગાઉથી જ ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી હતી. જ્યારે વન-ડે ટીમના કેપ્ટન પદેથી તેને હટાવવામાં આવ્યો છે. આ નિર્ણય સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં હારના બીજા જ દિવસે લીધો હતો.વિરાટ કોહલીએ પોતાના મેસેજમાં બીસીસીઆઇનો આભાર માન્યો હતો. તે સિવાય મહેન્દ્રસિંહ ધોની,  રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.





કોહલીએ ટ્વિટર પર લખ્યું કે મે સાત વર્ષની મહેનત અને સંઘર્ષથી ટીમને યોગ્ય દિશામાં લઇ જવાનો પ્રયાસ કર્યો છે. મે મારુ કામ પૂરી ઇમાનદારીથી કર્યું છે. મે મારા તરફથી કોઇ કસર છોડી નથી. તમામ ચીજને ક્યારેકના ક્યારેક રોકાવાનું હોય છે. મારા માટે ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટનશીરપ છોડવાનો આ યોગ્ય સમય છે. કોહલીએ લખ્યું કે આ સફરમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે પરંતુ મારા પ્રયાસો અને વિશ્વાસમાં કોઇ ઓટ આવી નથી.


 






વિરાટના ટ્વિટ પર બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટમાં તેના યોગદાન બદલ આભાર માન્યો હતો. બોર્ટે ટ્વિટ કર્યું કે બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને તેના પ્રેરણાદાયી નેતૃત્વ ક્ષમતા માટે અભિનંદન આપે છે જેણે ટીમને ઉંચાઇઓ સુધી પહોંચાડી છે. તેણે ભારત તરફથી 68 મેચમાં કેપ્ટનશીપ કરી જેમાં 40માં ટીમ ઇન્ડિયાને જીત અપાવી છે.


કોહલીએ આગળ પોતાના મેસેજમાં લખ્યું કે મે હંમેશાથી મારુ 120 ટકા યોગદાન આપવામાં વિશ્વાસ કર્યો છે અને જો હું એમ ના કરી શકું  તો હું જાણુ છું કે આ યોગ્ય કામ નથી. હું ટીમ સાથે બેઇમાની કરી શકું નહીં.


કોહલીએ કહ્યું કે હું બીસીસીઆઇનો આટલા લાંબા સમય સુધી દેશનુ નેતૃત્વ કરવાની તક આપવા બદલ આભાર માનું છું અને તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે ટીમના એ તમામ સાથીઓનો જેમણે પ્રથમ દિવસથી જ ભરપૂર સાથ આપ્યો અને કોઇ પણ સ્થિતિમાં ક્યારેય હાર માની નહી.


 


કોહલીએ પોતાના સાથી ખેલાડીઓના વખાણ કરતા લખ્યું કે તમે લોકોએ મારા સફરને વધુ યાદગાર અને સુંદર બનાવી છે. રવિ ભાઇ અને સપોર્ટ સ્ટાફનો આભાર જેણે આ ગાડી જે ટેસ્ટ ક્રિકેટમાં સતત ઉપર જઇ રહી હતી તેના એન્જિન રહ્યા. સૌથી અંતમાં મહેન્દ્રસિંહ ધોનીનો આભાર જેમણે મારા પર એક કેપ્ટનના રૂપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને મારામાં એક એવો ખેલાડી જોયો જે ભારતીય ક્રિકેટને આગળ લઇ જઇ શકે છે.