ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર પર આ અંગેની પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ ભારતીય ટીમની ટી 20 કેપ્ટનશિપ છોડી દેશે અને તેમના સ્થાને રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.



કોહલીએ કેપ્ટનશીપ છોડ્યાના સમાચાર તાજેતરમાં જ સામે આવ્યા હતા. આમાં કહેવામાં આવ્યું હતું કે કોહલી T20 વર્લ્ડ કપ બાદ પદ છોડશે. પરંતુ BCCI એ તરત જ આ અહેવાલોને ફગાવી દીધા. BCCI ના સચિવ જય શાહ અને ખજાનચી અરુણ ધૂમલ બંનેએ કહ્યું હતું કે, કેપ્ટનશીપમાં કોઈ ફેરફાર થશે નહીં. જ્યાં સુધી ટીમ સારી કામગીરી કરી રહી છે, ત્યાં સુધી આવું કોઈ પગલું લેવામાં આવશે નહીં.


વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે 45 T20 મેચ રમી છે અને તેમાંથી 29 જીતી છે. માત્ર 13 મેચમાં ભારત હાર્યું છે જ્યારે બેમાં કોઈ પરિણામ આવ્યું નથી. કોહલીની કેપ્ટનશીપમાં ભારતની જીતની ટકાવારી 65.11 હતી. ઈંગ્લેન્ડ સામે 2017 ની શ્રેણીમાં તે T20 કેપ્ટન બન્યો હતો. ઉપરાંત, 2021 T20 વર્લ્ડ કપ પ્રથમ આઈસીસી T20 ટુર્નામેન્ટ હશે જેમાં કોહલી કેપ્ટન તરીકે મેદાને ઉતરશે.


કોહલીએ શું કહ્યું?


વિરાટ કોહલીએ ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિનો આભાર માનતા કહ્યું, કામનો બોજ ખૂબ મહત્વની બાબત છે. છેલ્લા આઠ-નવ વર્ષથી ત્રણેય ફોર્મેટમાં રમવું અને 5-6 વર્ષ સુધી કેપ્ટનશીપ કરવી, મારા કામનો બોજ નોંધપાત્ર રહ્યો છે. મને લાગે છે કે ટેસ્ટ અને વનડેમાં ટીમની કેપ્ટનશીપ કરવા માટે મારે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની જરૂર છે. T20 ના કેપ્ટન તરીકે મેં ટીમને બધું જ આપ્યું અને બેટ્સમેન તરીકે આમ કરવાનું ચાલુ રાખીશ.


અલબત્ત આ નિર્ણય લેવામાં ઘણો સમય લાગ્યો. મારા નજીકના લોકો, રવિભાઈ અને રોહિત સાથે ઘણી વાતચીત કર્યા પછી, મેં T20વર્લ્ડ કપ બાદ T20 કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. મેં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સાથે વાત કરી છે. તેમજ તમામ પસંદગીકારો પણ વાકેફ છે. હું મારી ક્ષમતા મુજબ ભારતીય ક્રિકેટ અને ભારતીય ટીમ માટે રમવાનું ચાલુ રાખીશ.


વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે અત્યાર સુધી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. એવું માનવામાં આવે છે કે તેની T20 કેપ્ટનશિપ છોડવાનું આ પણ એક કારણ છે.