Virat Kohli vs BCCI: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ દિવસોમાં એશિયા કપ 2022 સીઝનમાં રમી રહ્યો છે. અહીં તેણે તેની પ્રથમ ત્રણ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું અને ફોર્મમાં પરત ફર્યો હતો. હાલમાં જ કોહલીએ એક નિવેદન આપીને હંગામો મચાવ્યો છે. વાસ્તવમાં કોહલીએ રવિવારે જ પાકિસ્તાન સામે મેચ રમી હતી, જેમાં તેણે 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. કોહલીની આ સતત બીજી અડધી સદી હતી. મેચ બાદ કોહલી ભાવુક થઈ ગયો અને કહ્યું હતું કે જ્યારે તેણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે મહેન્દ્ર સિંહ ધોની સિવાય કોઈએ તેને મેસેજ પણ કર્યો ન હતો.
હવે કોહલીના આ નિવેદન પર હંગામો થયો છે. ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સહિતના અધિકારીઓ પણ પોતાનો પક્ષ આપતા જોવા મળે છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે બધાએ કોહલીનું સમર્થન કર્યું. તે ક્યા વિશે વાત કરી રહ્યો છે તે ખ્યાલ નથી.
બીસીસીઆઈના એક અધિકારીએ ઈનસાઈડસ્પોર્ટને કહ્યું હતું કે 'વિરાટને દરેકનો સપોર્ટ મળ્યો છે. બીસીસીઆઈથી લઈને તેના સાથી ખેલાડીઓએ સપોર્ટ કર્યો હતો. તેણે કહ્યું છે કે તેને સમર્થન મળ્યું નથી, આ ખોટું છે. જ્યારે તેને જરૂર હતી ત્યારે બ્રેક આપવામાં આવ્યો હતો. જ્યારે તેણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી ત્યારે બીસીસીઆઈના અધિકારીઓએ પણ સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છા પાઠવી હતી. તેથી મને ખબર નથી કે તે શું વાત કરી રહ્યો છે.
'અમે ઈચ્છીએ છીએ કે તે રન બનાવતો રહે'
અધિકારીએ કહ્યું હતું કે કોહલી અને BCCI વચ્ચે કોઈ મતભેદ નથી. તેણે ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાન માટે દરેક વ્યક્તિ તેનું સન્માન કરે છે. તે ત્રણેય ફોર્મેટમાં ઉત્તમ અને મહત્વપૂર્ણ ખેલાડી છે. તેનું ફોર્મ યોગ્ય સમયે પાછું આવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે તે રન બનાવતો રહે. ઓસ્ટ્રેલિયામાં તે ટીમ માટે સારું રહેશે.
વિરાટ કોહલીએ શું કહ્યું?
રવિવારે પાકિસ્તાન સામેની મેચ બાદ કોહલીએ કહ્યું હતું કે, 'જ્યારે મેં ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે માત્ર એક જ વ્યક્તિનો મેસેજ આવ્યો, તે હતો મહેન્દ્ર સિંહ ધોની. ઘણા લોકો પાસે મારા નંબર છે. ટીવી પર પણ ઘણા લોકો નિવેદનો આપે છે પરંતુ જેમની પાસે મારો નંબર છે તેમના તરફથી કોઈ મેસેજ મળ્યો નથી. બંને તરફથી સિક્યોરિટી હોય છે.
ટીકાકારોને જવાબ આપતા કોહલીએ કહ્યું હતું કે, 'જો મારે કોઈને કંઈક કહેવું હોય તો હું અંગત રીતે કહીશ. જો તમે દુનિયા સામે સલાહ આપો છો એનાથી મને શું ફાયદો ? જો તમે મારા કાર્ય વિશે કંઈપણ કહેવા અથવા સૂચવવા માંગતા હોવ તો તમે મને વ્યક્તિગત રૂપે આપી શકો છો. હું મારી લાઇફ પ્રામાણિકપણે જીવું છું, તેથી મને આ ચીજો દેખાય છે.