નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરે હાલમાં જ દરેક પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી હતી અને તેના બીજા જ દિવસે તે બેટિંગ કોચ તરીકે આઈપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાઈ ગયા હતા. જોકે લાંબા સમયથી વસીમ જાફરે ભારત માટે ક્રિકેટ રમ્યું ન હતું, પરંતુ તે ઘરેલુ ક્રિકેટમાં સતત સક્રિય રહે છે અને હવે 42 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટને અલવિદા કહ્યું છે. ત્યાર બાદ તેણે એક નિવેદનમાં કહ્યું કે, એક ફોર્મેટમાં રમનારા ક્રિકેટરને સન્માન નથી મળતું.

પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરનું કહેવું છે કે હાલના સમયમાં ક્રિકેટરોને સન્માન અને ઓળખ ત્યારે જ મળે છે જ્યારે તે તમામ ફોર્મેટમાં સફળ થાય છે. ઘરેલુ ક્રિકેટના ધુરંધર વસીમ જાફરે પોતાના નિવેદનમાં કહ્યું કે, “તમને ત્યારે જ ઓળખ અને સન્માન મળશે જ્યારે તમે ત્રણેય ફોર્મેટમાં સફળ થાવ છો. હું એ નથી કહેતો કે ચેતેશ્વર પુજારાનું સન્મા નથી, પરંતુ તે માત્ર ટેસ્ટ રમે છે, અન્ય ફોર્મેટમાં નહીં.”

જાફરે કહ્યું કે, હવે સમય બદલાયો છે. મારા સમયમાં પણ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ જેવા ખેલાડીઓ હતા જેમને પૂરતું સન્માન નથી મળ્યું.

જાફરે કહ્યું કે આજનો સમય એવા ખેલાડીઓનો છે જે ત્રણે ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શકે છે. આ સિવાય ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પર પ્રહાર કરતા વસીમ જાફરે કહ્યું કે આ ટી20 લીગના કારણે ઘરેલું ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને તેમનો હક મળ્યો નથી.

નોંધનીય છે કે, વસીમ જાફરે 31 ટેસ્ટ અને 2 વન ડે મેચ ભારત માટે રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં જાફરે પાકિસ્તાન અને વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ બેવડી સદી પણ ફટકારી છે. પરંતુ વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની ઓપનિંગ જોડીના કારણે જાફર લાંબા સમય સુધી ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી ન શક્યો.