નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર બ્રૈડ હૉગે કહ્યુ કે, ભારતનો બેટ્સમેન રોહિત શર્મા એકમાત્ર એવો ખેલાડી છે જે ટી-20માં બેવડી સદી ફટકારી શકે છે. હૉગે આ વાત ટ્વિટર પર એક સવાલના જવાબમાં કહી. હૉગે કહ્યુ કે મને લાગે છે કે રોહિત શર્મા હાલના સમયમાં એકમાત્ર એવો ખેલાડી છે જે આવું કરી શકે છે. તેનો સ્ટ્રાઇક રેટ સારો છે. ટાઇમિંગ પણ સારો છે, તે ક્રિકેટિંગ શોર્ટ્સ રમે છે અને આખા મેદાન પર સિક્સ ફટકારવાની જગ્યા શોધી લે છે.
ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ એક સમયે ટી-20માં બેવડી સદી ફટકારવાની નજીક પહોંચ્યો હતો. તેણે ઝીમ્બાબ્વે વિરુદ્ધ 76 બોલ પર 172 રન ફટકાર્યા હતા. ફિંચનો આ સ્કોર ટી-20 ઇન્ટરનેશનલનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. રોહિતનો ટી-20માં સર્વોચ્ચ સ્કોર 118 રન છે. વન-ડેમાં રોહિતનો સર્વોચ્ચ સ્કોર 264 રન છે. તેણે 2014માં વન-ડેમાં શ્રીલંકા વિરુદ્ધ 264 રન બનાવ્યા હતા. તે વન-ડેમાં ત્રણ વખત બેવડી ફટકારી ચૂક્યો છે.
રોહિત શર્મા ટેસ્ટ અને વન-ડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે. જો રોહિત શર્માને લઇને હૉગની ભવિષ્યવાણી સત્ય સાબિત થઇ તો તે ત્રણેય ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર ખેલાડી બની જશે.