ICC Cricket World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમે આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો અને હવે છેલ્લી મેચ પણ ઓસ્ટ્રેલિયા સામે રમાશે, જે આ વર્લ્ડકપની ફાઈનલ મેચ હશે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે, અત્યાર સુધીની તમામ મેચ જીતી છે, પરંતુ ફાઈનલ મેચ માટે રોહિત પાસે એક હથિયાર છે જે તેણે છુપાવીને રાખ્યું હતું, રોહિત શર્મા ફાઇનલમાં પોતાના આ 'બ્રહ્માસ્ત્ર'નો ઉપયોગ કરી શકે છે. કહેવાઇ રહ્યુ છે અમદાવાદની પીચનો મિજાજ બદલાયો છે, અને ખાસ કરીને સ્પીનરોને વધુ મદદ કરી રહી છે. આ વર્લ્ડકપમાં અહીં રમાયેલી તમામ મેચોમાં આ પીચે સ્પીનરોને વધુ સાથ આપ્યો છે.


વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ છેલ્લી 6 મેચમાં ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી, કારણ કે ટીમ સતત તમામ મેચ જીતી રહી છે, અને તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. જોકે ભારતે તેની પ્રથમ ચાર મેચ જીતી લીધી હતી, પરંતુ હાર્દિક પંડ્યાની ઈજાને કારણે ભારતને બે ફેરફાર કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ ટીમે સેમિ ફાઈનલ સહિત સતત 6 મેચ જીતી હતી.


કોણ છે રોહિત શર્માનું 'બ્રહ્માસ્ત્ર' ?
આ જીતની સફરને જોતા લાગે છે કે ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં રોહિત શર્મા એ જ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે, પરંતુ ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે હોવાથી રોહિત પોતાની ટીમમાં એક ફેરફાર કરી શકે છે. આ વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ દક્ષિણ આફ્રિકાના સ્પિનરો સામે ખુબ જ સંઘર્ષ કર્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામેની લીગ મેચમાં પણ સ્પિનરો સામે સંઘર્ષ કર્યો હતો.


વળી, ભારત સામેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય સ્પિનરો સામે ફસાયેલી જોવા મળી રહી છે. આ સિવાય વર્લ્ડકપની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાએ અક્ષર પટેલની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અશ્વિનને ઓસ્ટ્રેલિયાની મેચ માટે ખાસ સામેલ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી તેને ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં જ રમવાની તક મળી છે. અશ્વિને વર્લ્ડકપની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયા સામેની હૉમ વનડે સીરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડના રૂપમાં બંને ઓપનર ડાબા હાથના બેટ્સમેન છે, જેઓ આ આખા વર્લ્ડકપમાં ખુબ જ રન બનાવી રહ્યા છે.


વૉર્નર અને હેડથી કઇ રીતે નિપટશે રોહિત શર્મા ?
અશ્વિન હંમેશા ડાબા હાથના બેટ્સમેનો સામે ખતરનાક સાબિત થાય છે અને આઈપીએલ મેચો દરમિયાન અમે રશીદ અને નૂર અહેમદ જેવા સ્પિન બોલરોને અમદાવાદની પીચ પર ખુબ વખત પોતાનો જાદુ બતાવતા જોયા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ અથવા મોહમ્મદ સિરાજની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને રમવાની તક આપી શકે છે. તેની અનુભવી સ્પિન બૉલિંગની સાથે અશ્વિન સારી બેટિંગ કરવામાં પણ સક્ષમ છે. આ સાથે જ ભારતનો ટોપ ઓર્ડર શાનદાર ફોર્મમાં છે.


આવી સ્થિતિમાં જો સૂર્યાના સ્થાને અશ્વિન રમે છે તો ટીમમાં 6 વિકેટો લેનારા બોલર અને 5 ઇન-ફોર્મ બેટ્સમેન હશે. આ સ્થિતિમાં આ 6 બોલરોમાંથી અશ્વિન અને જાડેજા ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. જો કે, અશ્વિનને ટીમમાં સામેલ કરવાની શક્યતા ખુબ જ ઓછી છે, પરંતુ જો રોહિત શર્માને પિચમાં સ્પિનરો માટે મદદ મળશે તો તે ચોક્કસપણે અશ્વિનને રમવાનું વિચારી શકે છે.