Scotland vs West Indies World Cup Qualifiers 2023: વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023ની સુપર સિક્સ મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સ્કોટલેન્ડે 43.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્વોલિફાયરમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમ પહેલીવાર ODI વર્લ્ડ કપમાં નહીં રમે. પૂર્વ ભારતીય ખેલાડી વિરેન્દ્ર સેહવાગે તેને શરમજનક ગણાવ્યું છે. તેણે ઠપકો આપ્યો છે.






સેહવાગે ટ્વિટર પર લખ્યું,'કેટલી શરમજનક વાત છે. વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરવામાં  અસફળ રહી.  તે બતાવે છે કે માત્ર પ્રતિભા પૂરતી નથી, ટીમ ફોકસ અને સારા મેનેજમેન્ટ સાથે ટીમ પોલિટિક્સ ફ્રી હોવી જોઈએ.'


ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સ્કોટલેન્ડ સામે 43.5 ઓવરમાં 181 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન જેસન હોલ્ડરે 79 બોલમાં 45 રન બનાવ્યા હતા. હોલ્ડર સિવાય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. રોમારિયો શેફર્ડે 36 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં સ્કોટલેન્ડે 43.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટીમ માટે મેથ્યુ ક્રોસે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 74 રન બનાવ્યા હતા. જ્યારે બ્રાન્ડોન મેકમુલેને 69 રનનું યોગદાન આપ્યું હતું.


તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ઈતિહાસની દિગ્ગજ ટીમોમાંથી એક રહી છે. તે બે વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે. વેસ્ટ ઈન્ડિઝે 1975 અને 1979માં ટાઈટલ જીત્યું હતું. આ પછી 1983માં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલીવાર ODI વર્લ્ડ કપમાં નહીં રમે. 


વેસ્ટ ઈન્ડિઝ માત્ર 181 રને ઓલઆઉટ 


21મી ઓવર સુધી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર માત્ર 6 વિકેટે 81 રન હતો. અહીંથી જેસન હોલ્ડર (45) અને રોમારિયો શેફર્ડ (36)એ ટીમની કમાન સંભાળી હતી. બંને વચ્ચે 77 રનની પાર્ટનરશિપ થઈ હતી.જેનાથી વેસ્ટ ઈન્ડિઝને થોડી આશા બંધાઈ હતી પરંતુ તે પૂરતું ન હતું. બંને બેટ્સમેન સતત બે ઓવરમાં આઉટ થયા અને ટૂંક સમયમાં જ આખી ટીમ 181 રનમાં સમેટાઈ ગઈ હતી.


સ્કોટલેન્ડે રચ્યો ઈતિહાસ 


આ પછી પણ જો થોડી આશા હતી તો વેસ્ટ ઈન્ડિઝના બોલરો પાસેથી ચમત્કાર થવાની હતી. ઇનિંગ્સના પહેલા જ બોલ પર જેસન હોલ્ડરે સ્કોટલેન્ડના ઓપનર ક્રિસ્ટોફર મેકબ્રાઇડને આઉટ કરીને આવી જ શરૂઆત કરી હતી.જો કે,મેકમુલન (69)એ મેથ્યુ ક્રોસ સાથે સદીની ભાગીદારી કરીને વેસ્ટ ઈન્ડિઝની હારને નિશ્ચિત બનાવી દીધી હતી.


બંનેએ 125 રનની ભાગીદારી કરી હતી. રોમારિયો શેફર્ડે મેકમુલનને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે 69 રન બનાવ્યા હતા. આ સાથે જ મેથ્યુ ક્રોસ (74) પોતાની અડધી સદી પૂરી કરી અને અંતે ટીમને યાદગાર જીત અપાવીને વાપસી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે સ્કોટલેન્ડની આ પહેલી જીત છે. સ્કોટલેન્ડે માત્ર વેસ્ટ ઈન્ડિઝને જ હરાવી જ નહીં, પરંતુ વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવાની આશા પણ જીવંત રાખી છે.