નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ટી-20 વર્લ્ડકપ પર ખતરો ઉભો થયો છે. તેને રદ્દ પણ કરવામાં આવે તેવી ચર્ચા પણ થઈ રહી છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગે કહ્યું કે, જો ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપને સ્થગિત કરવામાં આવે તો બીસીસીઆઈને ચાલુ વર્ષના અંતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરવાનો પૂરો અધિકાર છે.

હોલ્ડિંગે ઈન્સ્ટાગ્રામ પર નિખિલ નાઝ સાથે વાતચીતમાં કહ્યું, મને નથી લાગતું કે આઈસીસી ટી20 વર્લ્ડકપને લઈ નિર્ણય લેવામાં કોઈ વિલંબ કરે. તે ઓસ્ટ્રેલિયા સરકારનો કાનૂન છે, જ્યાં કોઈ નિશ્ચિત તારીખ પહેલા કોઈને પણ દેશમાં આવવાની મંજૂરી નહીં હોય. જો ટી-20 વર્લ્ડકપનું આયોજન સમયસર ન થઈ શકે તો બીસીસીઆઈ પાસે આ ઘરેલુ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો પૂરો અધિકાર છે.

હાલ એવી અટકળો થઈ રહી છે કે કોવિડ-19 મહામારીના કારણે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે રમાનારા ટી-20 વર્લ્ડકપને સ્થગિત કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ આ દરમિયાન આઈપીએલ આયોજિત કરવાની યોજના પર કામ કરી શકે છે.

ગલ્ફ ન્યૂ’ અખબારના રિપોર્ટ અનુસાર, યૂએઈના બોર્ડે બીસીસીઆઈ સામે આઈપીએલ -13ના આયોજનનો પ્રસ્તાવ મુક્યો છે. અખબારે બોર્ડના જનરલ સેક્રેટરી મુબશ્શિર ઉસ્માનીના હવાલાથી જણાવ્યું કે, યૂએઈ બોર્ડે ન્યૂટ્રલ વેન્યૂ તરીકે પોતાનો અનુભવ રજૂ કર્યો છે.

અહેવાલામાં ઉસ્માનીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “ભૂતકાળમાં પણ અમીરાત ક્રિકેટ બોર્ડે યૂએઈમાં સફળતાપૂર્વક આઈપીએલ મેચોની યજમાની કરી હતી. ન્યૂટ્રલ વેન્યૂ તરીકે કોઈ દ્વિપક્ષીય સીરીઝ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની યજમાનીનો અમારો રેકોર્ડ શાનદાર છે.”