જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ વન ડેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિગ કરવાનો ફેંસલો કર્યો હતો. શ્રીલંકાની ટીમ 49 ઓવરમાં 232 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. કરૂણારત્ને અને ગુણાથીલિકાએ પ્રથમ વિકેટ માટે 105 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ તેમનો રકાસ થયો છે. વેસ્ટ ઈન્ડિઝે શાઈ હોપના 110 અને એવિન લુઇસના 65 રનની મદદથી મેચ 8 વિકેટથી જીતી હતી.


આ મેચમાં શ્રીલંકા તરફથી અડધી સદી ફટકારનારા ઓપનિંગ બેટ્સમેન ધનુષ્કા ગુણાથિલાકાને વિચિત્ર રીતે આઉટ આપવામાં આવ્યો હતો. એમ્પાયરે તેને ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ એટલે કે ફિલ્ડર્સને વિધ્ન પહોંચાડવા માટે દોષી માનીને આઉટ આપ્યો હતો. જેના પર હવે બબાલ થઈ રહી છે.


 વીડિયો મુજબ શોટ ફટકાર્યો બાદ ગુણાથિલાકા રન લેવા દોડે છે પરંતુ સામા છેડે બોલિંગ કરી રહેલો પોલાર્ડ તેની તરફ આવતા તે રન લેવાની ના પાડે છે. પોલાર્ડ જેવો બોલ નજીક પહોંચે છે તેવો જ તે પીચ તરફ ધસી જાય છે. જેને લઈ પોલાર્ડ અપીલ કરે છે અને એમ્પાયર આઉટ જાહેર કરે છે.


મેર્લબોર્ન ક્રિકેટ ક્લબના નિયમ 37.1માં ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ અંગે જણાવાયું છે. જે મુજબ કોઇ બેટ્સમેન જાણી જોઈને બોલર્સનો માર્ગ અવરોધે તો તેને આઉટ આપી શકાય છે. સીરિઝની બીજી અને નિર્ણાયક મેચ 12 માર્ચે રમાશે.