દુબઈ: વિરાટ કોહલીએ ખરાબ ફોર્મને પાછળ છોડી દીધું છે. તેણે ટી20 એશિયા કપની સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. જોકે, રવિવારે રાત્રે ભારતીય ટીમને ટૂર્નામેન્ટમાં પહેલી હાર મળી હતી. પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. કોહલીએ મેચમાં 60 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયા 7 વિકેટે 181 રન બનાવી શકી હતી. જવાબમાં પાકિસ્તાને 19.5 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ પહેલા તેણે હોંગકોંગ સામે અણનમ 59 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે પાકિસ્તાન સામે ગ્રુપ રાઉન્ડની મેચમાં 35 રનની ઇનિંગ રમી હતી.






પાકિસ્તાન સામેની મેચ બાદ વિરાટ કોહલીએ પોતાના ખરાબ સમયનો ઉલ્લેખ કર્યો હતો. એક સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, જ્યારે મેં ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે મને માત્ર એક ખેલાડીનો મેસેજ મળ્યો હતો, હું તેની સાથે રમ્યો હતો. તે એમએસ ધોની હતો. અન્ય લોકો પાસે પણ મારો નંબર હતો. ઘણા લોકો મને રમત વિશે સલાહ આપે છે. કોહલી અહીં જ નથી અટક્યો, તેણે કહ્યું કે આ અમારી બોન્ડિંગ દર્શાવે છે. બીજા લોકો શું કહે છે તેના પર હું બહુ ધ્યાન આપતો નથી. આ સમયે ટીમનું વાતાવરણ ઘણું સારું છે.






હાર બાદ કેપ્ટન્સી છોડી દીધી


વિરાટ કોહલી અને BCCI વચ્ચેના સંબંધો સારા નહોતા. ટી-20 બાદ તેમની પાસેથી ODIની કેપ્ટનશીપ પરત લેવામાં આવી હતી. તેણે જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં હાર બાદ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાહેરાત કરી હતી. જો કે તે ટેસ્ટ ઈતિહાસમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન છે અને તેણે 40 ટેસ્ટ જીતી છે. તેણે વિદેશી ધરતી પર પણ ટીમને ઐતિહાસિક જીત અપાવી છે.


કોહલીનું ફોર્મમાં આવવું ટીમ માટે રાહતની વાત છે. લાંબા વિરામ બાદ તે ફોર્મમાં પરત ફર્યો છે. એશિયા કપ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 3-3 T20 મેચ રમવાની છે. આ પછી ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ યોજાશે.