Ravichandran Ashwin Retirement: રવિચંદ્રન અશ્વિને પોતાની 14 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ગાબા ટેસ્ટ બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક કારકિર્દીમાં તેણે 700થી વધુ વિકેટ, 4 હજારથી વધુ રન અને 6 સદીની ઇનિંગ્સ પણ રમી હતી. પરંતુ લોકોના મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે શું અશ્વિને આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે? શું અશ્વિન IPL 2025માં નહીં રમે?
વરસાદને કારણે ગાબા ટેસ્ટ ડ્રો જાહેર કરવામાં આવી છે જે બાદ આર અશ્વિને પોતાના નિવૃત્તિના ભાષણમાં કહ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં ભારતીય ખેલાડી તરીકે આ મારો છેલ્લો દિવસ છે. હું માનું છું કે મને હજુ પણ ક્રિકેટની ભૂખ છે." હું ક્લબ લેવલ ક્રિકેટમાં મારી કુશળતા દર્શાવવા માંગુ છું, મેં રોહિત અને અન્ય મિત્રો સાથે ઘણી યાદો શેર કરી છે. જોકે તેમાંથી ઘણાએ મને વર્ષો પહેલા છોડી દીધો છે.
અશ્વિને વધુમાં કહ્યું હતું કે, "જૂના ખેલાડીઓમાંથી ટીમમાં માત્ર થોડા જ પસંદગીના ખેલાડીઓ બાકી છે. હું માનું છું કે આ સ્તરે મારી ક્રિકેટ કારકિર્દીનો આ અંત છે. હું ઘણા બધા લોકોનો આભાર માનવા માંગુ છું. બીસીસીઆઈનો આભાર માનું છું અને હું તેમાંથી કેટલાકનો આભાર વ્યક્ત કરવા માંગુ છું: રોહિત શર્મા, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, જેઓ મારા પ્રવાસ દરમિયાન ઉચ્ચ સ્તરના ક્રિકેટર રહ્યા છે. સાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો આભાર જેમણે હંમેશા સ્પર્ધાત્મક ક્રિકેટ રમી છે, મેં તેની સામે રમતનો આનંદ માણ્યો છે."
શું અશ્વિન IPLમાં રમશે?
અશ્વિને તેના નિવૃત્તિના ભાષણમાં કહ્યું હતું કે તે માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વન-ડે અને ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. તે ફ્રેન્ચાઇઝી અને ક્લબ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. યાદ કરો કે IPL 2025ની મેગા ઓક્શનમાં તેને ચેન્નઈ સુપર કિંગ્સે 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2015 પછી આ પ્રથમ વખત હશે જ્યારે અશ્વિન CSK માટે રમશે.