Rohit Sharma India vs England: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય અપાવ્યો, પરંતુ શું તે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખશે કે કેમ તે હજુ પણ એક મોટો પ્રશ્ન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા ટીમમાં રહેશે કે નહીં તેનો અંતિમ નિર્ણય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન લેવામાં આવશે. માનવામાં આવે છે કે IPLમાં રોહિત શર્માની ફિટનેસ અને પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યા બાદ જ તેને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવો કે નહીં તે નક્કી કરવામાં આવશે.


રોહિત શર્મા હાલમાં તેના આગામી મિશનની તૈયારીમાં વ્યસ્ત છે અને તે સહાયક કોચ અભિષેક નાયર સાથે પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહ્યો છે. ક્રિકબઝના એક અહેવાલ મુજબ, રોહિત શર્મા અભિષેક નાયર સાથે માત્ર ફિટનેસ જ નહીં પરંતુ બેટિંગ ટેકનિક અને 2027માં યોજાનારા ODI વર્લ્ડ કપની તૈયારીના અભિગમ પર પણ કામ કરી રહ્યો છે. જ્યારે 2027 વર્લ્ડ કપ રમાશે ત્યારે રોહિત શર્મા 40 વર્ષનો થઈ જશે, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું છે કે તે આ મોટી ટૂર્નામેન્ટ માટે ફિટ રહેવા માટે પૂરી મહેનત કરી રહ્યો છે.


ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy)( જીત્યા બાદ રોહિત શર્માએ (Rohit Sharma) તેના ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની અટકળોને પણ નકારી કાઢી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેનું મુખ્ય ધ્યાન હવે 2027ના ODI વર્લ્ડ કપ પર છે. વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હાર બાદ ભારત ફરી એકવાર આ ટ્રોફી જીતવા માટે મજબૂત દાવેદાર બનવા માંગે છે.


તાજેતરમાં સમાપ્ત થયેલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્માનું (Rohit Sharma) પ્રદર્શન જોઈએ તો, તેણે ગ્રુપ સ્ટેજ અને સેમિફાઇનલમાં સરેરાશ રન બનાવ્યા હતા, પરંતુ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે તેણે શાનદાર બેટિંગ કરીને મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. જો રોહિત શર્મા આ જ રીતે પોતાની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને જાળવી રાખે છે, તો તેના માટે 2027માં વર્લ્ડ કપ રમવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલ નહીં હોય. હવે સૌની નજર IPL પર રહેશે, જ્યાં રોહિત શર્માના પ્રદર્શન અને ફિટનેસના આધારે તેના ભવિષ્યનો નિર્ણય લેવામાં આવશે.