દિલ્હી કેપિટલ્સએ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. દિલ્હીએ મંગળવારે (21 માર્ચ) બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી ગ્રુપ મેચમાં યુપી વોરિયર્સ (UPW) ને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આ જીતને કારણે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી અને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો.
એલિમિનેટર મુંબઈ અને યુપી વચ્ચે રમાશે
ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજા અને યુપી વોરિયર્સ ત્રીજા સ્થાને છે, જેના કારણે બંને ટીમોએ એલિમિનેટર મેચમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. એલિમિનેટર મેચ 24 માર્ચે અને ફાઈનલ 26 માર્ચે યોજાવાની છે.
મેચમાં દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 13 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. કેપ્ટન મેગ લેનિંગે સૌથી વધુ 39 અને મારિજન કેપે અણનમ 34 રન બનાવ્યા હતા. આ સાથે એલિસ કેપ્સીએ પણ 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્સે છ વિકેટે 138 રન બનાવ્યા હતા. તાહિલા મેકગ્રાએ 32 બોલમાં અણનમ 58 રન બનાવ્યા જેમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન એલિસા હીલીએ 34 બોલમાં કુલ 36 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સ તરફથી એલિસ કેપ્સીએ 26 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રાધા યાદવને બે જ્યારે જેસ જોનાસેનને સફળતા મળી હતી.
RCBને તેની છેલ્લી મેચમાં પણ હાર મળી હતી
મંગળવારે (21 માર્ચ) મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઇ હતી. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી તે મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ચાર વિકેટે જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ નવ વિકેટે 125 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 16.3 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મુંબઈ તરફથી અમેલિયા કેરે સૌથી વધુ અણનમ 31 રનનું યોગદાન આપ્યું હતું.