કેપટાઉનઃ સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પાંચ રનથી પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. ભારતીય કેપ્ટને 34 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. મેચમાં હાર બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર ઇમોશનલ થઇ હતી.






મેચ બાદ વાતચીત દરમિયાન હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે હું નથી ઈચ્છતી કે મારો દેશ મને રડતા જુવે, તેથી જ હું આ ચશ્મા પહેરીને આવી છું, હું વચન આપું છું કે અમે અમારી રમતમાં સુધારો કરીશું અને દેશને ફરીથી નીચું જોવા નહીં દઈએ. હરમનપ્રીતે કહ્યું હતું કે  “જ્યારે હું અને જેમી (જેમિમા રોડ્રિગ્સ) બેટિંગ કરી રહ્યા હતા ત્યારબાદ અમે હાર્યા ત્યારે તેના કરતા વધુ દુર્ભાગ્ય ન હોઈ શકે. અમને આજે આની અપેક્ષા નહોતી. હું જે રીતે રન આઉટ થઇ તેનાથી વધુ કમનસીબ કાંઇ નહી હોઈ શકે. પ્રયાસ કરવો વધુ જરૂરી હતો. અમે છેલ્લા બોલ સુધી લડવાની ચર્ચા કરી હતી. પરિણામ અમારી તરફેણમાં આવ્યું નથી પરંતુ અમે આ ટૂર્નામેન્ટમાં જે રીતે રમ્યા તેનાથી હું ખુશ છું.






હરમનપ્રીતે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે અમારી પાસે સારી બેટિંગ લાઇન-અપ છે, ભલે અમે શરૂઆતમાં વિકેટ ગુમાવી." જેમીએ આજે ​​જે રીતે બેટિંગ કરી તેનો શ્રેય તેને આપવો જરૂરી છે. તેણે અમને તે ગતિ આપી જે અમને જોઇતી હતી. આવા પ્રદર્શનો જોઈને આનંદ થાય છે. તેને તેની નૈસગિક રમત રમતી જોઇને આનંદ થયો. અમે સેમિફાઇનલમાં પહોંચ્યા. અમે કેટલાક સરળ કેચ છોડ્યા. જ્યારે તમારે જીતવું હોય ત્યારે તમારે તેને પકડવા પડે છે. અમે મિસફિલ્ડિંગ કરી. આપણે ફક્ત આ બાબતોમાંથી શીખી શકીએ છીએ અને ભૂલોનું પુનરાવર્તન નહીં કરીએ.


ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં જીતવા માટે ભારતને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતની શરૂઆત સારી રહી ન હતી. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને યાસ્તિકા ભાટિયા સિંગલ ડિજિટમાં આઉટ થઈ ગઇ હતી. આ પછી જેમિમા રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌરે તોફાની ઈનિંગ્સ રમીને ટીમને ચોક્કસપણે જીતની આશા જગાવી હતી પરંતુ આ બંને બેટ્સમેન પેવેલિયન પરત ફરતાં જ ઓસ્ટ્રેલિયાએ મેચ પર પક્કડ બનાવી લીધી હતી. જેમિમા 24 બોલમાં 43 અને હરમનપ્રીત કૌર 34 બોલમાં 52 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારત નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 167 રન જ બનાવી શક્યું અને ટીમ ઈન્ડિયા 5 રનથી મેચ હારી ગઈ અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.