Women's T20 World Cup 2023: દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનું વિજેતા અભિયાન ચાલુ છે. ઓસ્ટ્રેલિયાએ 14 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. જ્યોર્જિયા વેયરહેમે કાંગારૂ ટીમને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની બોલિંગ સામે બાંગ્લાદેશના બેટર્સ રન બનાવી શક્યા નહોતા. તેણે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. મહિલા વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની આ સતત બીજી જીત છે. આ પહેલા કાંગારૂ ટીમે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.
બાંગ્લાદેશી બેટ્સમેન દબાણમાં
સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈનિંગની શરૂઆત કરવા આવેલી શમીમા સુલતાના અને મુર્શિદા ખાતૂન વહેલી આઉટ થઈ ગઈ હતી. શમીમા 1 અને મુર્શિદા 7 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલી શોભના મોસ્ટરી પણ એક રન બનાવી શકી હતી. બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાનાએ 57 અને શોર્નાએ 12 રન બનાવ્યા હતા. આ બે સિવાય ટીમનો કોઈપણ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. આ રીતે બાંગ્લાદેશે 20 ઓવરમાં 7 વિકેટે 107 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જ્યોર્જિયા વેયરહેમે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય ડાર્સી બ્રાઉને 2 જ્યારે મેગન શુટ અને એશ્લે ગાર્ડનરને 1-1 વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે કચડી નાખ્યું
જીત માટે 108 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. કાંગારુ ટીમની પ્રથમ વિકેટ 9 રનમાં પડી હતી. ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલી બેથ મૂની 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી કેપ્ટન મેગ લેનિંગ અને એલિસા હીલીએ નેતૃત્વ સંભાળ્યું. બંનેએ અડધી સદી ફટકારીને ટીમને શરૂઆતના આંચકામાંથી ઉગારી હતી. એલિસા 37 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મેગ લેનિંગે કેપ્ટનશીપની ઇનિંગ રમતા અણનમ 48 રન બનાવ્યા હતા. જ્યારે એશ્લે ગાર્ડનર 19 રન બનાવીને અણનમ રહી હતી. આ બંને ખેલાડીઓએ 19મી ઓવરમાં કોઈપણ જોખમ લીધા વિના ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. બાંગ્લાદેશ તરફથી મારુફા અખ્તર અને શોર્ના અખ્તરે 1-1 વિકેટ લીધી હતી. મેચમાં શાનદાર બોલિંગ કરનાર જ્યોર્જિયા વેયરહેમને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.