IND W vs AUS W Semifinal: મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમે સોમવાર, 20 ફેબ્રુઆરીના રોજ આયર્લેન્ડ સામે 5 રનથી (ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ) જીત મેળવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં 4 માંથી 3 મેચ જીતીને પોતાના ગ્રુપમાં બીજા નંબર પર છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડને હરાવી ચૂકી છે. આ સાથે જ ટીમને ઈંગ્લેન્ડ સામે 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ફાઈનલ ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામે થશે
ભારતીય ટીમ ગુરુવારે T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે, જે ગ્રુપ-Aમાં ટોચ પર છે. ઓસ્ટ્રેલિયા તેના ગ્રુપમાં 4 જીત સાથે નંબર વન પર છે. કાંગારૂ ટીમ અત્યાર સુધી વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી. ટીમે ન્યુઝીલેન્ડ સામે 97 રને, બાંગ્લાદેશ સામે 8 વિકેટે, શ્રીલંકા સામે 10 વિકેટે અને દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટે જીત મેળવી છે.
ગ્રૂપ-Aમાં બીજા સેમી ફાઇનલિસ્ટનો નિર્ણય થયો નથી
ગ્રુપ-બીમાં ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે. પરંતુ ગ્રુપ-Aમાં ઓસ્ટ્રેલિયા સિવાય બીજા સેમી ફાઇનલિસ્ટ હજુ નક્કી થયા નથી. ગ્રૂપ-Aમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સેમિ ફાઇનલિસ્ટની યાદીમાં સામેલ છે.
ન્યૂઝીલેન્ડે 4માંથી બે મેચ જીતી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ 3માંથી 1 મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા તેની આગામી મેચ બાંગ્લાદેશ સામે રમશે. જો આફ્રિકા આ મેચ જીતી જાય છે, તો ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના નેટ રન રેટના તફાવતના આધારે સેમિફાઇનલનો નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ, જો દક્ષિણ આફ્રિકા તેની છેલ્લી મેચ હારી જાય છે, તો ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે અને 24 ફેબ્રુઆરી, શુક્રવારે ઇંગ્લેન્ડ સામે બીજી સેમિફાઇનલ રમશે.
મહિલા પ્રીમિયર લીગને મળ્યા ટાઈટલ સ્પોન્સર
ભારતીય ક્રિકેટમાં મહિલા ક્રિકેટ એક નવા યુગમાં પગ મુકવા જઈ રહ્યું છે જ્યારે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) શરૂ થશે. તાજેતરમાં, BCCIએ WPL 2023 માટે ખેલાડીઓની હરાજીનું આયોજન કર્યું હતું, જેમાં પાંચ ટીમોએ તમામ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરીને મહિલા ક્રિકેટને નવી તાકાત આપી હતી. હવે મંગળવારે BCCI સેક્રેટરી જય શાહે પણ WPLના ટાઈટલ સ્પોન્સરનું નામ જાહેર કર્યું છે.
ટાટા WPLના ટાઇટલ સ્પોન્સર હશે.
ટાટા થોડા વર્ષો પહેલા જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટાઈટલ સ્પોન્સર બન્યા હતા. હવે ટાટાએ પણ WPL સાથે હાથ મિલાવ્યા છે. આ અંગે માહિતી આપતાં BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કર્યું, "મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ટાટા ગ્રુપ WPLની પ્રથમ સિઝનનું ટાઈટલ સ્પોન્સર હશે. તેમના સમર્થનથી અમને વિશ્વાસ છે કે અમે મહિલા ક્રિકેટને આગલા સ્તર પર લઈ જવામાં સફળ થશું."