નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સીનિયર ખેલાડી બીસીસીઆઈની રડારમાં છે. ક્રિકેટરે 2019 વર્લ્ડકપ દરમિયાન બીસીસીઆઈની મંજૂરી વગર પત્નીને સાથે રાખી હતી. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીએ બોર્ડને પત્નીને મંજૂરી આપવામાં આવેલા દિવસ ઉપરાંત સાથે રાખવા વિનંતી કરી હતી. પરંતુ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન્સ (CoA) ખેલાડીની માંગ ફગાવી દીધી હતી.

ટુર્નામેન્ટ પૂરી થયાના એક વર્ષ બાદ ખુલાસો થયો કે ખેલાડીની પત્ની તેની સાથે કેપ્ટન કે કોચની મંજૂરી વગર ટુર્નામેન્ટ દરમિયાન સાત સપ્તાહ સુધી રહી હતી. સીઓએ દ્વારા આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ પુરુષ સિનિયર ટીમના એક ખેલાડીએ વર્લ્ડ કપ દરમિયાન પત્નીનો સાથ રહે તે માટે મંજૂરી માંગી હતી. સીઓએ કહ્યું, આ અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ ખેલાડીને મંજૂરી આપવાનું યોગ્ય લાગ્યું નહોતું, તેમ છતાં તેનું પાલન કરવામાં આવ્યું નહોતું.

PTI અનુસાર, બીસીસીઆઈના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ટુર્નામેન્ટ દરમિયાન આવા ઉલ્લંઘનો થયા હતા. પરંતુ પ્રશ્ન ઉભો થાય છે કે આ ખેલાડીએ કોચ અને કેપ્ટન પાસેથી તેની પત્નીના વધારાના સમયગાળાના રોકાણ વિશે પરવાનગી માંગી હતી. જેના જવાબમાં સૂત્રોએ ના કહી હતી.

વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર થતાં અભિયાનનો અંત આવ્યો હતો.