ICC Cricket World Cup 2023: વર્લ્ડ કપમાં સેમિફાઇનલની રેસ હવે એકદમ રસપ્રદ બની ગઈ છે. શ્રીલંકાને હરાવીને અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલની રેસમાં સામેલ થઇ ગઇ છે.અફઘાનિસ્તાન ક્રિકેટે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું હાંસલ કર્યું છે અને ખાસ કરીને વર્લ્ડ કપ 2023 તેમના માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે.


આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે ત્રણ ભૂતપૂર્વ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમોને હરાવી છે. અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને પ્રથમ અપસેટ સર્જ્યો હતો. તે પછી આ ટીમે તેના પાડોશી દેશ અને 1992નો વર્લ્ડ કપ જીતનાર ટીમ પાકિસ્તાનને હરાવીને વધુ એક અપસેટ સર્જ્યો હતો અને હવે અફઘાન ટીમે 1996માં વર્લ્ડ કપ જીતનાર ટીમ શ્રીલંકાને હરાવીને સેમિફાઇનલની રેસમાં દાવો રજૂ કર્યો છે.


પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 241 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાને ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. હાર સાથે શ્રીલંકા માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન બાદ અફઘાનિસ્તાને પણ શ્રીલંકાને હરાવ્યું છે. જીત સાથે અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે આવી ગયું છે.


અફઘાન ટીમ સેમિફાઇનલની રેસમાં આગળ આવી


અફઘાનિસ્તાન આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમ્યું છે, જેમાં તેણે 3 મેચ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. 3 જીત સાથે અફઘાન ટીમના 6 પોઈન્ટ છે અને તેની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-5 પર આવી ગઈ છે. તેમની ઉપર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો છે જેમના 8-8 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં હવે અફઘાનિસ્તાન ટીમ પાસે સેમિફાઈનલમાં જઈને ઈતિહાસ રચવાની શાનદાર તક છે. અફઘાનિસ્તાન ટીમને હજુ 3 વધુ મેચ રમવાની છે, જે અનુક્રમે નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સાથે છે. આવી સ્થિતિમાં જો અફઘાનિસ્તાન આ ત્રણ અથવા ત્રણમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતે છે તો તે સેમિફાઇનલમાં જવાનો મજબૂત દાવો કરી શકે છે.


આ વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાનની ટીમે વન-ડે વર્લ્ડ કપમાં માત્ર એક જ જીત હાંસલ કરી હતી, જે વર્લ્ડ કપ 2015માં સ્કોટલેન્ડ સામે આવી હતી. અફઘાન ટીમ વર્લ્ડ કપ 2019માં પણ એક પણ મેચ જીતી શકી ન હતી, પરંતુ આ વખતે આ ટીમ સેમિફાઈનલની રેસમાં ઓસ્ટ્રેલિયાથી બરાબર પાછળ ઉભી છે.