Suryakumar Yadav Rohit Sharma WC 2023: સૂર્યકુમાર યાદવ વનડે ફોર્મેટમાં અત્યાર સુધી ફ્લોપ સાબિત થયો છે. તે ટીમ ઈન્ડિયા માટે કંઈ ખાસ કરી શક્યો નથી. જો કે, તેમ છતાં, ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે સૂર્યને વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ સૂર્ય કુમારનું સમર્થન કર્યું છે. રોહિત કહે છે કે સૂર્ય કુમાર સારૂ પ્રદર્શન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે.


રોહિત માને છે કે સૂર્યની ક્ષમતા પર કોઈ શંકા હોવી જોઈએ નહીં. ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, રોહિતે કહ્યું કે,તેની T20 ક્ષમતા પર કોઈ પ્રશ્ન નથી પરંતુ વનડેમાં એક અલગ પ્રકારનો પડકાર છે. તે વનડે ફોર્મેટ માટે ખરેખર સખત મહેનત કરી રહ્યો છે અને તેના વિશે ઘણા ક્રિકેટરો સાથે વાત કરતો રહે છે. ટીમ મેનેજમેન્ટ પણ તેને સપોર્ટ કરી રહ્યું છે.




કેપ્ટન રોહિતે કહ્યું કે, જો તેને બેટિંગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે તો તે પોતાની રીતે સારું રમે છે. તમે તેને 100 બોલમાં 50 રન બનાવવા માટે ન કહી શકો. આવા ખેલાડીઓને વધુ તક આપવાની જરૂર છે જેથી કરીને તેઓ પોતાની જાતને આગળ વધારી શકે.


તમને જણાવી દઈએ કે 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થશે. તેની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તો બીજી તરફ, ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે, જે 8 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે અને બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરે રમાશે. આ મેચ કોલકાતામાં રમાશે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. ટીમ ઈન્ડિયા આ પહેલા એશિયા કપ 2023માં રમશે. ભારતે હજુ આ માટે ટીમની જાહેરાત કરી નથી.


રોહિત શર્માએ વર્લ્ડ કપ અને ટીમ ઈન્ડિયા પર શું કહ્યું?


ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળશે તે કહેવું મુશ્કેલ છે. રોહિત શર્માએ કહ્યું કે કોઈ પણ ખેલાડીની જગ્યા અગાઉથી કન્ફર્મ કરી શકાતી નથી, હું એમ પણ ન કહી શકું કે મારું સ્થાન કન્ફર્મ છે. આ સિવાય રોહિત શર્માએ પોતે સ્વીકાર્યું કે ભારતીય ટીમ માટે નંબર-4 મોટો મુદ્દો છે. રોહિત શર્માના મતે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નંબર-4 બેટ્સમેનની પસંદગી કરવી અમારા માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહી છે.