Virat Kohli and Naveen-Ul-Haq: IPL 2023માં અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હક અને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી વચ્ચે ટક્કર થઈ હતી, જે બાદ ભારતીય પ્રશંસકોએ નવીન ઉલને વિરાટ કોહલીના નામ પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. હવે વર્લ્ડ કપની મેચમાં પણ નવીન ઉલ હકને જોઈને કોહલી-કોહલીના નારા લાગ્યા હતા. આ ઘટના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં બની હતી.
ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપની ત્રીજી મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટેન્ડ પર બેઠેલા દર્શકો નવીન ઉલ હકને જોઈને વિરાટ કોહલીના નામના નારા લગાવી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે નવીન ફિલ્ડિંગ માટે બાઉન્ડ્રી લાઈનની નજીક આવતા જ સ્ટેન્ડમાં હાજર દર્શકો 'કોહલી-કોહલી' ના નારા લગાવવા લાગે છે. જો કે નવીન આ અંગે કોઈ પ્રતિક્રિયા આપતો નથી. હવે વર્લ્ડ કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાશે, જેમાં કોહલી અને નવીન ઉલ એકબીજા સામે રમશે તે લગભગ નક્કી છે. તમને જણાવી દઈએ કે, નવીન ઉલ હક અને કોહલીના વિવાદ વચ્ચે ગંભીર અને કોહલી પણ સામસામે આવી ગયા હતા. જેણે લઈને પણ વાતાવરમ ઉગ્ર બની ગયું હતું. જોકે, બાદમાં કેએલ રાહુલ અને અન્ય ખેલાડીઓ ગંભીરને ડગઆઉટમાં લઈ ગયા હતા અને મામલો શાંત પડ્યો હતો.
અફઘાનિસ્તાનને મળી હાર
આ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 37.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે રહેમાનુલ્લા ગુરબાઝે 42 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ટીમના છ બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 34.4 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કરીને વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. ટીમ માટે નઝમુલ હુસૈન શંટોએ 59* અને મેહદી હસન મિરાજે 57 રનની ઇનિંગ રમી હતી. મેહદી હસને બોલિંગમાં પણ 3 વિકેટ ઝડપી હતી. તેના શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.