World Cup 2023 Hyderabad BCCI: આગામી દિવસોમાં ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ શરૂ થવા જઇ રહ્યો છે, હવે ફરી એકવાર વર્લ્ડકપને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડકપ 2023ની કેટલીક મેચોની તારીખો તાજેતરમાં બદલવામાં આવી છે. અમદાવાદ અને કોલકાતામાં રમાનારી મેચોની તારીખો બદલવામાં આવી હતી. તહેવારોને કારણે આ બંને જગ્યાએ ફેરફાર થયો હતો. હવે રિપોર્ટ છે કે, વર્લ્ડકપની હૈદરાબાદમાં રમાનારી મેચોની તારીખો પણ બદલાઈ શકે છે. હૈદરાબાદમાં 9 અને 10 ઓક્ટોબરે સતત બે મેચો રમાવવાની છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને આ અંગે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ સાથે વાત કરી છે.
ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે 9 ઓક્ટોબરે હૈદરાબાદમાં મેચ રમાવાની છે. આ પછી 10 ઓક્ટોબરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર અનુસાર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઈને લેટર લખ્યો છે. એસોસિએશને આ બે મેચ વચ્ચે સમય માંગ્યો છે. તેમનું કહેવું છે કે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તારીખ બદલવી જોઈએ.
સમાચાર અનુસાર, હૈદરાબાદ પોલીસે સતત બે મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ હૈદરાબાદમાં મેચ રમશે. આથી આ મેચને લઈને સુરક્ષા ખૂબ જ ચુસ્ત રહેશે. હૈદરાબાદમાં કુલ ત્રણ મેચ રમાવાની છે. પ્રથમ મેચ 6 ઓક્ટોબરે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ પછી બીજી મેચ 9 ઓક્ટોબરે રમાશે. અને ત્રીજી મેચ 10 ઓક્ટોબરે રમાશે. 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આથી પાકિસ્તાને પણ આ મેચ પહેલા સમય માંગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. તેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે.
2023 ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ
ઑક્ટોબર 8 - ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં
11 ઓક્ટોબર – દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે
14 ઓક્ટોબર – અમદાવાદમાં પાકિસ્તાન સામે
19 ઓક્ટોબર - પુણેમાં બાંગ્લાદેશ સામે
22 ઓક્ટોબર – ધર્મશાલા ખાતે ન્યુઝીલેન્ડ સામે
29 ઑક્ટોબર - લખનૌમાં ઇંગ્લેન્ડ સામે
2 નવેમ્બર – મુંબઈમાં શ્રીલંકા સામે
5 નવેમ્બર - કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે
12 નવેમ્બર - બેંગલુરુમાં નેધરલેન્ડ સામે.
25મી ઓગસ્ટથી ટિકિટ બુકિંગ શરૂ થશે. ક્રિકેટ ચાહકો 25મી ઓગસ્ટથી ભારત સિવાયની તમામ ટીમોની મેચની ટિકિટ બુક કરાવી શકશે. તે જ સમયે, ભારતની મેચોની ટિકિટ બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ થશે. ગુવાહાટી અને ત્રિવેન્દ્રમમાં રમાનારી ટીમ ઈન્ડિયાની મેચ માટે આ દિવસથી ટિકિટ બુક કરી શકાશે. 31 ઓગસ્ટથી, ચાહકો ભારતમાં ચેન્નાઈ, દિલ્હી અને પૂણેમાં યોજાનારી મેચોની ટિકિટ બુક કરી શકશે. આ પછી, 1 સપ્ટેમ્બરથી, તમે ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં મેચ માટે ટિકિટ બુક કરી શકશો. 2 સપ્ટેમ્બરથી બેંગ્લોર અને કોલકાતામાં યોજાનારી મેચોનું બુકિંગ શક્ય બનશે.