World Cup 2023: 19 નવેમ્બર ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે ખૂબ જ નિરાશાજનક દિવસ હતો. સતત 10 મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ મેચ 6 વિકેટથી જીતીને છઠ્ઠી વખત વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. હાર સાથે ભારતીયોનું દિલ તૂટી ગયું. આ જ ક્રમમાં યુપીના ઝાંસીમાં કેટલાક યુવકોએ ગુસ્સામાં દુકાનમાંથી ટીવી ઉપાડ્યા અને બહાર લાવીને તોડી દીધા હતા.


તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકેશ રાઇ નામના એક્સ યુઝર્સે વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે ભારતીય ટીમના ખેલાડીઓએ અમારું દિલ તોડી નાખ્યું છે. તેમના કારણે જ વર્લ્ડ કપ હારી ગયા છીએ. મેચ હાર્યા બાદ ટીવી તૂટવાના સમાચાર પાકિસ્તાનમાંથી અવારનવાર જોવા અને સાંભળવા મળતા હતા. પરંતુ આ વખતે ભારતમાંથી પણ આવા જ સમાચાર સામે આવ્યા છે.


વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક યુવકો ટીવીની દુકાન પર ઉભા રહીને મેચ જોઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા મેચ જીતતાની સાથે જ બે યુવકોએ દુકાનમાં રાખેલા ટીવી ઉપાડી લીધા હતા અને બહાર જઈને તોડફોડ કરી હતી. આ દરમિયાન દુકાનદાર તેમને વારંવાર આવું ન કરવાનું કહેતો રહ્યો. પરંતુ બંનેએ કોઈનું સાંભળ્યું નહીં. તેણે ગુસ્સામાં કહેવાનું શરૂ કર્યું કે ભારતીય ટીમના કારણે અમે મેચ હારી ગયા છીએ.


ભારતીય ટીમે ટોસ હારીને 240 રન બનાવ્યા હતા


આ મેચમાં કાંગારૂ ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ સારી બેટિંગ કરી શકી નહીં. ભારતીય ટીમ માત્ર 240 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન કેએલ રાહુલે 107 બોલમાં 66 રનની ધીમી ઇનિંગ રમી અને વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રન ફટકાર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ 28 બોલમાં માત્ર 18 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી મિશેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 2-2 સફળતા મેળવી હતી.


241 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને મેચ અને ટાઇટલ જીતી લીધું હતું. આ મેચમાં ટ્રેવિસ હેડે 137 રનની મેચ વિનિંગ સદીની ઇનિંગ રમી હતી. જ્યારે માર્નસ લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા.