IND vs NZ Head To Head In ODI World Cup: ODI વર્લ્ડ કપ 2023માં, ભારતીય ટીમ રવિવારે, 22 ઓક્ટોબરે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે પાંચમી મેચ રમશે. વર્લ્ડકપના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ હંમેશા ટીમ ઈન્ડિયા પર હાવી રહ્યું છે. ભારત છેલ્લે 2003માં ન્યૂઝીલેન્ડ સામે ICC ODI વર્લ્ડ કપમાં મેચ જીત્યું હતું. એટલે કે ટીમ ઈન્ડિયા 20 વર્ષમાં ODI વર્લ્ડ કપમાં ભારત સામે જીત મેળવી શકી નથી. આવી સ્થિતિમાં ભારત માટે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે જીત નોંધાવવી આસાન નહીં હોય.


વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે ભારતના આંકડા ખરાબ છે


ODI વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 5 અને ભારતે 3માં જીત મેળવી છે. તે જ સમયે, 1 મેચ અનિર્ણિત રહી હતી. ODI વર્લ્ડ કપમાં બંને વચ્ચે પ્રથમ મેચ 1975માં રમાઈ હતી. વર્લ્ડ કપમાં બંને વચ્ચે છેલ્લી ટક્કર 2019માં થઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો.


તો બીજી તરફ, બંને ટીમો ODIમાં કુલ 116 વખત આમને-સામને આવી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 58 અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. જ્યારે 7 મેચ અનિર્ણિત રહી છે અને 1 મેચ ટાઈ રહી છે. આવી સ્થિતિમાં 2023ના વર્લ્ડ કપમાં કઇ ટીમ કોના પર વિજય મેળવે છે તે જોવું રસપ્રદ રહેશે.


કોઈ એક ટીમનો વિજેતા રથ તૂટશે


અત્યાર સુધી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. બંને ટીમો 4-4 મેચ રમી છે. આવી સ્થિતિમાં રવિવારે બંને વચ્ચેની ટક્કરમાં એક ટીમની જીતનો દોર તૂટી જશે. હવે કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે. અત્યારે પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ ટોપ પર છે જ્યારે ટીમ ઈન્ડિયા બીજા સ્થાને છે.


ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ધર્મશાલામાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની ભારતની આગામી મેચમાંથી બહાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિકને બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં લઈ જવામાં આવશે જ્યાં ઈંગ્લેન્ડના નિષ્ણાત ડોક્ટર તેની સારવાર કરશે. રિપોર્ટ્સ અનુસાર તેને ઈન્જેક્શન આપવામાં આવશે. 29 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા હાર્દિક લખનઉમાં ભારતીય ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે ઈંગ્લેન્ડ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે.