India vs Pakistan 2023 ODI World Cup Match Date: 2023 ODI વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15 ઓક્ટોબરે નહીં રમાય. આ મહામુકાબલાની તારીખ બદલવામાં આવશે. રિપોર્ટ અનુસાર આજે ભારત-પાક મેચની તારીખની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
જો કે આ પહેલા રિપોર્ટમાં ભારત-પાક મેચની તારીખ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2023 ODI વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. જોકે હજી સુધી BCCI કે ICCએ ભારત-પાક મેચની નવી તારીખ જાહેર કરી નથી.
...તો એટલા માટે બદલવામાં આવી રહી છે ભારત-પાક મેચની તારીખ
રિપોર્ટ અનુસાર નવરાત્રી 15 ઓક્ટોબરે આવી રહી છે. આ કારણોસર, ODI વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ બદલવામાં આવશે. હવે મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને BCCIએ ગયા મહિને વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું અને અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચનું આયોજન કર્યું હતું. આ અહેવાલ બાદ જ અમદાવાદ માટે હવાઈ ભાડું અને હોટેલનું ભાડું આકાશને સ્પર્શવા લાગ્યું હતું. હવે જો મેચ એક દિવસ પહેલા યોજવામાં આવે તો દર્શકોની મુશ્કેલીને કોઈ સ્થાન નહીં રહે.
ભારતને વર્લ્ડકપની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. પાકિસ્તાનની બે મેચ હૈદરાબાદમાં 6 અને 12 ઓક્ટોબરે રમાશે. બાબર આઝમની ટીમને એક દિવસ પહેલા યોજાનારી ભારત-પાકિસ્તાન મેચને કારણે પ્રેક્ટિસ માટે એક દિવસ ઓછો મળશે.
ઉલ્લેખનીય છે કે, 2023 ODI વર્લ્ડકપ ભારતના 10 શહેરોમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે, જેમાં દિલ્હી, ધર્મશાળા, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ, લખનૌ, ચેન્નાઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે.
દુનિયાભરના ચાહકો ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ભારે આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. વર્ષો બાદ ક્રિકેટ રસિયાઓને આ મેચ નિહાળવા મળશે. પરંતુ તેના માટે ફદિયા ઢીલા કરવા પડશે. અમદાવાદમાં આ મેચના દિવસો દરમિયાન હોટલના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે વિમાનની ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. એરફેરમાં અધધ 300 ટકા જેટલો માન્યામાં ના આવે તેટલો વધારો થયો છે.
ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાનની ટીમો 15 ઓક્ટોબરે આમને-સામને થવાનો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ જતી ફ્લાઈટ્સના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. હકીકતમાં આ તારીખે ભારત-પાકિસ્તાન મેચને કારણે ફ્લાઈટના ભાડામાં લગભગ 300 ટકાનો વધારો થયો છે.