IND vs PAK In WC 2023: વન ડે ક્રિકેટ વર્લ્ડકપ 2023નું આયોજન ભારતની ધરતી પર થવાનું છે. ICCએ વર્લ્ડકપ 2023નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. સાથે જ આ વર્ષે એશિયા કપનું પણ આયોજન થવાનું છે. પાકિસ્તાન અને શ્રીલંકા એશિયા કપ 2023ની યજમાની કરશે. જોકે, BCCI અને PCB વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. BCCIએ સ્પષ્ટ કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. ત્યારબાદ ભારતીય ટીમ શ્રીલંકામાં હાઈબ્રિડ મોડલ હેઠળ રમશે. આ ઉપરાંત એશિયા કપની ફાઈનલ મેચ શ્રીલંકામાં રમાશે. જેને લઈને પાકિસ્તાને પણ તેની ટીમ વર્લ્ડકપ રમવા ભારત મોકલવાને ગંભીર સંકેત આપ્યા છે. 


'તો પાકિસ્તાની ટીમ વર્લ્ડકપ માટે ભારત નહીં જાય...'


પરંતુ જો ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય તો શું પાકિસ્તાની ટીમ વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે? હવે પાકિસ્તાનના રમત-ગમત મંત્રી અહેસાન મજારીએ કહ્યું હતું કે, જો ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાની ટીમ વર્લ્ડકપ 2023 રમવા માટે ભારત નહીં જાય. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં પાકિસ્તાનના ખેલ મંત્રી અહેસાન મજારીએ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, આ મારો અંગત અભિપ્રાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો ભારતને એશિયા કપ માટે તટસ્થ સ્થળની જરૂર છે તો અમારે પણ વર્લ્ડકપ માટે તટસ્થ સ્થળની જરૂર છે.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચનો પ્રસ્તાવ


હાલમાં જ વર્લ્ડકપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. આ શેડ્યૂલ અનુસાર ભારત-પાકિસ્તાનની ટીમો 15 ઓક્ટોબરે આમને-સામને થશે. ભારત-પાકિસ્તાન મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રસ્તાવિત છે. પરંતુ પાકિસ્તાનના સ્પોર્ટ્સ મિનિસ્ટર અહેસાન મજારીના નિવેદન બાદ ફરી સવાલો ઉઠી રહ્યા છે કે, શું ખરેખર જ પાકિસ્તાની ટીમ વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે?


પાકિસ્તાની પીએમએ બનાવી કમિટી


ભારતમાં રમાનારા વન ડે વર્લ્ડકપમાં પાકિસ્તાન રમવા આવશે કે કેમ તેને લઈને હજી પણ અવઢવની સ્થિતિ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમને ભારત મોકલવી કે કેમ તેનો નિર્ણય સરકાર પર છોડી દીધો હતો. હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારી 2023 ODI વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમની ભાગીદારી અંગે નિર્ણય લેવા માટે વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.


આ સમિતિ ભારત-પાકિસ્તાન સંબંધોના તમામ પાસાઓ, રમતગમત અને રાજકારણને અલગ રાખવાની સરકારની નીતિ અને ખેલાડીઓ, અધિકારીઓ, પ્રશંસકો અને મીડિયા માટે ભારતની સ્થિતિ પર પીએમ શરીફને તેની ભલામણો સબમિટ કરતા પહેલા ચર્ચા કરશે. જાહેર છે કે, વડાપ્રધાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સંરક્ષક પણ છે.


સમિતિના અન્ય સભ્યોમાં ખેલ મંત્રી અહેસાન મઝારી, મરિયમ ઔરંગઝેબ, અસદ મહમૂદ, અમીન-ઉલ-હક, કમર ઝમાન કૈરા અને ભૂતપૂર્વ રાજદ્વારી તારિક ફાતમીનો સમાવેશ થાય છે. સંબંધિત મંત્રીઓએ પહેલાથી જ PCBને સંકેત આપ્યો છે કે, પાકિસ્તાન જ્યાં મેચ રમવાનું છે તે મેચ સ્થળોનું નિરીક્ષણ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા પ્રતિનિધિમંડળ ભારત મોકલવામાં આવશે.


https://t.me/abpasmitaofficial