ICC Cricket World Cup Qualifiers 2023: ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થતા આઇસીસી વન-ડે વર્લ્ડ કપ માટે 8 ટીમો સીધી ક્વોલિફાય થઈ હતી. સુપર-10માં બાકીના 2 સ્થાન માટે ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી શ્રીલંકાની ટીમે પહેલા જ મુખ્ય ઈવેન્ટ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે બાકીના એક સ્થાન માટે સ્કોટલેન્ડ અને નેધરલેન્ડની ટીમ વચ્ચે જોરદાર જંગ થઈ શકે છે.






વન-ડે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં 6 ટીમ સુપર સિક્સમાં પહોંચવામાં સફળ રહી હતી. આમાં ઓમાન અને વેસ્ટ ઈન્ડિઝની રેસમાંથી સૌથી પહેલા બહાર થઈ ગઈ હતી, જ્યારે સ્કોટલેન્ડ સામે 31 રનની હાર બાદ ઝિમ્બાબ્વેનું વન-ડે વર્લ્ડ કપમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.






સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ વર્લ્ડકપની ટિકિટ માટે રેસમાં છે. બંને ટીમો વચ્ચે 6 જુલાઈના રોજ મેચ રમાશે. સ્કોટલેન્ડ માટે ODI વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવા માટે આ મેચમાં જીત મેળવવી જરૂરી રહેશે. ટીમનો નેટ રન રેટ પહેલા કરતા સારો છે અને આ જીત સાથે 8 પોઈન્ટ થઈ જશે.


નેધરલેન્ડને મોટી જીત નોંધાવવી પડશે


નેધરલેન્ડની ટીમ માટે ક્વોલિફાય થવાનો રસ્તો થોડો મુશ્કેલ છે. તેણે માત્ર સ્કોટલેન્ડ સામેની મેચ જીતવી પડશે એટલુ જ નહી પરંતુ ઓછામાં ઓછા 32 રનના માર્જિન સાથે પ્રથમ બેટિંગ કરીને મેચ જીતવી પડશે. લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમને 44.1 ઓવરમાં મેચ જીતવી પડશે. જો નેધરલેન્ડની ટીમ આમ કરવામાં સફળ રહે છે તો પોઈન્ટના મામલે તે સ્કોટલેન્ડ અને ઝિમ્બાબ્વેની બરોબરી પર આવી જશે. ટીમ નેટ રન રેટ સાથે સીધા બીજા સ્થાને પહોંચી જશે.


સ્કોટલેન્ડે ઝિમ્બાવેનું સપનું રોળ્યું


સ્કોટલેન્ડે વધુ એક ઉલટફેર કર્યો છે. આજે વર્લ્ડકપ ક્વોલિફાયરમાં ઝિમ્બાબ્વે સામે સ્કોટલેન્ડનો પડકાર હતો. આ મેચમાં સ્કોટલેન્ડે યજમાન ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. આ હાર બાદ ઝિમ્બાબ્વેનું 2023માં વર્લ્ડકપ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. સીન વિલિયમ્સની સુકાની ઝિમ્બાબ્વે વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવાનું ચૂકી ગયું છે. 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial