WTC Final 2023: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ અત્યારે ચાલી રહી છે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટ્રૉફી પર કબજો જમાવવા માટે જંગ ચાલી રહ્યો છે, પાંચ દિવસની ટેસ્ટ મેચમાં ત્રણ દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે, અને બન્ને ટીમો પોતાની એક એક ઇનિંગ રમી ચૂકી છે. હવે આ બધાની વચ્ચે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ આ ફાઇનલ મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાએ બૉલિંગમાં કમાલ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 2 વિકેટ ઝડપી છે. જાડેજાએ 2 વિકેટ લેતા જ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. જાડેજા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ ડાબોડી ભારતીય સ્પિનર બની ગયો છે. આ સાથે જાડેજાએ બિશન સિંહ બેદીનો રેકોર્ડ તોડ્યો હતો. બેદીએ ડાબા હાથના સ્પિનર તરીકે ભારત માટે ટેસ્ટમાં 266 વિકેટ લીધી હતી. હવે જાડેજાએ 267 વિકેટ મેળવી લીધી છે. ટેસ્ટમાં ડાબોડી સ્પિનર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના રંગના હેરાથના નામે છે. હેરાથે ટેસ્ટમાં 433 વિકેટ લીધી હતી.
રવિન્દ્ર જાડેજાના નામે નોંધાઇ આ મોટી સિદ્ધિ -
ખાસ વાત છે કે, રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 267 વિકેટો પોતાના નામે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટોરીએ ટેસ્ટમાં 362 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. આ ઉપરાંત ઈંગ્લેંડના બૉલર ડેરેક અંડરવુડે ટેસ્ટમાં 297 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ જાડેજાનો નંબર આવે છે. જાડેજાએ અત્યાર સુધી 65 ટેસ્ટ મેચમાં 267 વિકેટ ઝડપી છે.
ઉલ્લેખનીય છે કે, ત્રીજા દિવસની રમતના અંતે માર્નસ લાબુશેન 41 અને કેમેરન ગ્રીન 7 રન બનાવીને ક્રીઝ પર હાજર હતા. ભારત તરફથી અત્યાર સુધીમાં જાડેજાએ 2 વિકેટ લીધી છે જ્યારે સિરાજ અને ઉમેશ યાદવને 1-1 વિકેટ મળી છે.
શાર્દુલ ઠાકુર એલન બોર્ડર અને ડોન બ્રેડમેનની યાદીમાં સામેલ થયો
શાર્દુલ ઠાકુરે ઓવલ મેદાન પર સતત ત્રીજી વખત ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી હતી. આવું કરનાર તે ત્રીજો વિદેશી બેટ્સમેન બની ગયો છે. આ પહેલા માત્ર એલન બોર્ડર અને ડોન બ્રેડમેન આ કારનામું કરી શક્યા હતા. હવે આ ખાસ યાદીમાં શાર્દુલ ઠાકુર પણ જોડાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં શાર્દુલ ઠાકુરે 109 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. શાર્દુલ ઠાકુરને કેમરૂન ગ્રીને આઉટ કર્યો હતો.
શાર્દુલ ઠાકુરે અહીંથી ઝડપી રન બનાવ્યા અને પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી અડધી સદી પૂરી કરી. જો કે તે પણ 51 રન બનાવીને કેમરૂન ગ્રીનનો શિકાર બન્યો હતો. મિશેલ સ્ટાર્કે મોહમ્મદ શમીને 13ના અંગત સ્કોર પર પેવેલિયનમાં મોકલતા ભારતીય ટીમનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે પણ પ્રથમ દાવના આધારે 173 રનની જંગી લીડ મેળવી લીધી હતી. કાંગારૂ ટીમ તરફથી કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગની શરૂઆત સારી રહી ન હતી. ટીમને પહેલો ફટકો ઇનિંગની ચોથી ઓવરમાં 2ના સ્કોર પર ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. મોહમ્મદ સિરાજે વોર્નરને 1ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. બીજા સેશનના અંતે ઓસ્ટ્રેલિયન ટીમનો સ્કોર 1 વિકેટના નુકસાને 23 રન હતો.