ICC World Test Championship Points Table: પર્થમાં જે બન્યું તે ઇતિહાસમાં નોંધાયું છે. ટીમ ઈન્ડિયાએ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 295 રનથી તેની સૌથી મોટી જીત નોંધાવી હતી અને પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતના 534 રનના લક્ષ્યનો  પીછો કરતા ઓસ્ટ્રેલિયા બુમરાહ (ત્રણ વિકેટ) અને મોહમ્મદ સિરાજ (ત્રણ વિકેટ)ની  બોલિંગ સામે 58.4 ઓવરમાં 238 રનમાં સમેટાઈ ગયું હતું. આ રીતે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રનના મામલે સૌથી મોટી જીત અને એશિયા બહાર બીજી સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા ભારતે ડિસેમ્બર 1977માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાને 222 રને હરાવ્યું હતું. એશિયા બહાર ભારતની સૌથી મોટી જીત ઓગસ્ટ 2019માં નોર્થ સાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 318 રનથી હતી.



WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો 


ભારતની આ શાનદાર જીતને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ગુમાવી બેઠી છે. ભારતની જગ્યાએ ઓસ્ટ્રેલિયાએ ટોચનું સ્થાન મેળવ્યું હતું. પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવીને પોઈન્ટ ટેબલમાં ફરી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.


ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી ગઈ છે 


આ સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં 62.50 PCT સાથે ટોપ પર હતી પરંતુ હવે પર્થમાં હાર બાદ તે બીજા સ્થાને આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાને PCTમાં ભારે નુકસાન થયું છે અને હવે તેનું PCT 57.69 છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાને શાનદાર જીતનો ઘણો ફાયદો થયો છે. પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનો PCT 58.30 હતો જે હવે જીત બાદ વધીને 61.11 થઈ ગયો છે. સાથે જ ટીમ ઈન્ડિયાએ WTC પોઈન્ટ ટેબલમાં ફરીથી ટોચનું સ્થાન મેળવ્યું છે.


WTC પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાની ટીમ 55.56 PCT સાથે ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને છે. કિવી ટીમનું PCT હાલમાં 54.55 છે. દક્ષિણ આફ્રિકાનું PCT ન્યુઝીલેન્ડ કરતા થોડું નીચું છે અને તે 5મા ક્રમે છે.  


IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી