Zimbabwe vs Pakistan 1st ODI Highlights: ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ 24 નવેમ્બર (રવિવાર) ના રોજ બુલાવાયોમાં ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેએ DLS નિયમ હેઠળ 80 રને જીત મેળવી હતી. આ જીત સાથે જ યજમાન ઝિમ્બાબ્વેએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેદાન પર બીજી વનડે 26 નવેમ્બરે રમાશે.
પાકિસ્તાની બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
આ મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાને 21 ઓવરમાં 6 વિકેટે 60 રન બનાવ્યા હતા ત્યારે વરસાદ આવ્યો હતો. તે પછી આગળ મેચ રમાઇ શકી નહોતી. તે સમયે ઝિમ્બાબ્વે 80 રનથી આગળ હતું. આવી સ્થિતિમાં ડીએલ નિયમ દ્વારા ઝિમ્બાબ્વેને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
ઝિમ્બાબ્વે માટે રિચર્ડ નગારવાએ 52 બોલમાં સૌથી વધુ 48 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સનો સમાવેશ થાય છે. સિકંદર રઝાએ છ ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. તદીવાનાશે મારુમનીએ 29 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી અને સીન વિલિયમ્સે 23 રનની ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાન તરફથી આગા સલમાન અને ફૈઝલ અકરમે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
રન ચેઝ દરમિયાન પાકિસ્તાની ટીમે સતત વિકેટ ગુમાવી હતી. આવી સ્થિતિમાં વરસાદ આવે ત્યાં સુધીમાં તે મેચમાં પાછળ રહી ગઈ હતી. કેપ્ટન મોહમ્મદ રિઝવાને 43 બોલમાં ફક્ત 19 રન ફટકાર્યા હતા. આ સિવાય માત્ર કામરાન ગુલામ (17) અને સેમ અયુબ (11) જ બે આંકડા સુધી પહોંચી શક્યા. ઝિમ્બાબ્વે તરફથી બ્લેસિંગ મુઝારબાની, સિકંદર રઝા અને સીન વિલિયમ્સે બે-બે વિકેટ લીધી હતી. સિકંદર રઝાને તેના ઓલરાઉન્ડર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.