India vs West Indies Yashasvi Jaiswal Ishan Kishan: ડોમિનિકામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ શરુ થઈ છે.. આ માટે વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહેલા બોલિંગ માટે મેદાનમાં ઉતરશે. ભારતે આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશનનો સમાવેશ કર્યો છે. યશસ્વી અને ઈશાન ડેબ્યૂ ટેસ્ટ મેચ રમશે. ટીમ ઈન્ડિયાએ અજિંક્ય રહાણેને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાવાની છે. બંને ટીમો પ્રથમ ટેસ્ટ માટે ડોમિનિકામાં આમને-સામને જોવા મળી રહી છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ત્રિનિદાદમાં રમાશે. જોકે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થઈ છે.
યશસ્વી ડોમેસ્ટિક મેચોમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચના એક દિવસ પહેલા પોતાના ડેબ્યૂના સમાચાર શેર કર્યા હતા. યશસ્વીએ અત્યાર સુધી 26 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 1845 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. યશસ્વીએ 32 લિસ્ટ A મેચમાં 1511 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં સારું પ્રદર્શન કર્યું હતું. આ કારણથી યશસ્વીને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. હવે તે ડેબ્યૂ મેચ પણ રમશે.
ઈશાન ભારત તરફથી ODI અને T20 ફોર્મેટમાં રમી ચૂક્યો છે. તેણે 27 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 653 રન બનાવ્યા છે. તેણે 14 વનડેમાં 510 રન બનાવ્યા છે. હવે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરશે. ઈશાને 82 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 2985 રન બનાવ્યા છે. જેમાં તેણે 6 સદી અને 16 અડધી સદી ફટકારી છે. તેણે લિસ્ટ Aની 87 ઇનિંગ્સમાં 3059 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.
વેસ્ટઈન્ડિઝ પ્લેઇંગ-11
ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથાનાઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.