વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ સારી પીચ પર 400 રનનો સ્કોર ચૂકી ગયા હતા. યશસ્વી જયસ્વાલ સિવાય ભારતીય ટીમનો અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. જયસ્વાલ બીજા દિવસે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો અને તેણે એક મોટો રેકોર્ડ પણ તોડ્યો હતો. ડાબોડી બેટ્સમેન હવે ભારત માટે બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. તેણે 22 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
પ્રથમ દિવસે યશસ્વી જયસ્વાલ 179ના વ્યક્તિગત સ્કોર પર અણનમ રહ્યો હતો અને તેણે કહ્યું હતું કે તે બેવડી સદી ફટકારવાનો ઇરાદો ધરાવે છે. બીજા દિવસે જયસ્વાલે પોતાની વાત સાચી સાબિત કરી અને તેણે 277 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી પોતાની બેવડી સદી પૂરી કરી. તેણે 290 બોલમાં 209 રનની ઇનિંગ રમી જેમાં 19 ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ હતા.
તેની બેવડી સદી સાથે યશસ્વી જયસ્વાલે મન્સૂર અલી ખાન પટૌડીને પાછળ છોડી દીધા, જેમણે 1964માં 23 વર્ષ અને 34 દિવસની ઉંમરે બેવડી સદી ફટકારી હતી અને તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી હતા પરંતુ બાદમાં સુનિલ ગાવસ્કર અને વિનોદ કાંબલીએ પાછળ છોડી દીધા હતા. અને તે ત્રીજા સ્થાને હતા. હવે જયસ્વાલ ત્રીજા સ્થાને અને પટૌડી ચોથા સ્થાન પર આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે. કાંબલીએ 1993માં ઈંગ્લેન્ડ સામે 224 રનની ઈનિંગ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે તે 21 વર્ષ 35 દિવસનો હતો. તેણે 21 વર્ષ અને 55 દિવસની ઉંમરમાં પણ બેવડી સદી ફટકારી છે. બીજા સ્થાને સુનીલ ગાવસ્કર છે, જેમણે 21 વર્ષ 283 દિવસની ઉંમરે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બેવડી સદી ફટકારી હતી.
ટેસ્ટમાં ભારત માટે સૌથી નાની ઉંમરે 200 રન બનાવનાર ક્રિકેટર
- 21 વર્ષ 35 દિવસ, વિનોદ કાંબલી 224 વિ ઈંગ્લેન્ડ, મુંબઈ 1993
- 21 વર્ષ 55 દિવસ, વિનોદ કાંબલી 227 વિ ઝિમ્બાબ્વે, દિલ્હી 1993
- 21 વર્ષ 283 દિવસ, સુનીલ ગાવસ્કર 220 vs વેસ્ટ ઈન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન 1971
- 22 વર્ષ 37 દિવસ, યશસ્વી જયસ્વાલ 201* વિ ઈંગ્લેન્ડ, વિઝાગ, 2024
ટેસ્ટમાં ભારત માટે ડાબોડી બેટ્સમેન દ્વારા બેવડી સદી
- 239 સૌરવ ગાંગુલી વિરુદ્ધ પાકિસ્તાન, બેંગલુરુ 2007
- 227 વિનોદ કાંબલી વિરુદ્ધ ઝિમ્બાબ્વે દિલ્હી 1993
- 224 વિનોદ કાંબલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ મુંબઈ WS 1993
- 206 ગૌતમ ગંભીર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા દિલ્હી 2006
- 201* યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ વિઝાગ 2024