ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ (IND vs ENG 3rd Test) રાજકોટમાં રમાઈ હતી. આ મેચના ચોથા દિવસની રમતમાં યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને બેવડી સદી ફટકારી હતી.  તેણે સતત બીજી બેવડી સદી ફટકારીને રેકોર્ડની વણઝાર લગાવી છે. 


જાયસ્વાલે 236 બોલમાં 214 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 14 ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થાય છે. હવે યશસ્વી ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ દરમિયાન યશસ્વીએ પાકિસ્તાનના વસીમ અકરમની બરાબરી કરી હતી. યશસ્વી પાસે અકરમનો રેકોર્ડ તોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક હતી, પરંતુ રોહિતના એક નિર્ણયને કારણે તે આવું કરી શક્યો નહીં.


વાસ્તવમાં યશસ્વી જયસ્વાલ પાસે પાકિસ્તાનના વસીમ અકરમનો 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક હતી, પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તે પહેલા જ બીજી ઈનિંગ ડિકલેર કરી દીધી હતી. યશસ્વીએ રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ ઇનિંગ્સમાં 12 સિક્સર ફટકારી હતી. આ સમય દરમિયાન, તેણે વસીમ અકરમના રેકોર્ડની બરોબરી કરી, જેણે 1996માં શેખુપુરામાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ એક ઇનિંગમાં 12 છગ્ગા ફટકાર્યા હતા.


ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન


12 છગ્ગા- યશસ્વી જયસ્વાલ (ભારત) વિરુદ્ધ ઈંગ્લેન્ડ રાજકોટ 2024*
12 સિક્સર- વસીમ અકરમ (પાકિસ્તાન) વિરુદ્ધ ઝિમ્બાબ્વે શેખુપુરા 1996
11 સિક્સર- મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ ઝિમ્બાબ્વે પર્થ 2003
11 સિક્સર- નાથન એસ્ટલ (ન્યુઝીલેન્ડ) વિરુદ્ધ ઈંગ્લેન્ડ ક્રાઈસ્ટચર્ચ 2002
11 સિક્સર- બ્રેન્ડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ) વિરુદ્ધ પાકિસ્તાન શારજાહ 2014
11 સિક્સર- બ્રેન્ડન મેક્કુલમ (ન્યુઝીલેન્ડ) વિરુદ્ધ શ્રીલંકા ક્રાઈસ્ટચર્ચ 2014
11 સિક્સર- બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ) વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા કેપ ટાઉન 2016
11 સિક્સર- કુસલ મેન્ડિસ (શ્રીલંકા) વિરુદ્ધ આયર્લેન્ડ ગાલે 2023  


ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું છે. આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં 2-1થી આગળ થઈ ગઈ છે. આ મેચમાં ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને ઈંગ્લેન્ડને એકતરફી રીતે હરાવ્યું હતું. એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે આ મેચ પાંચમા દિવસે ખતમ થઈ જશે, પરંતુ ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગ સામે કોઈ પણ ઈંગ્લિશ બેટ્સમેન ટકી શક્યો નહીં અને 557 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેઓ 122ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયા. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.