Yashasvi Jaiswal IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલ આ મેચ પહેલા ઘણો પરસેવો પાડી રહ્યો છે. યશસ્વીએ ઘણી મેચોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. હવે તેઓ ફરી એકવાર અદભૂત પ્રદર્શન કરી શકશે. યશસ્વી પાસે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મેક્કલમનો સર્વકાલીન રેકોર્ડ તોડવાની તક છે. જો યશસ્વી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થાય છે તો તે એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ સિક્સર મારવાના મામલે યશસ્વી મેક્કલમને પાછળ છોડી શકે છે. અત્યારે મેક્કલમ આ મામલે યશસ્વી કરતા આગળ છે. મેક્કલમે એક વર્ષમાં ટેસ્ટ ફોર્મેટમાં 33 સિક્સર ફટકારી છે. હવે આ રેકોર્ડ યશસ્વીના નામે થઈ શકે છે. તે આ રેકોર્ડથી માત્ર 7 સિક્સ પાછળ છે. જો યશસ્વી ચેન્નાઈ ટેસ્ટમાં 8 સિક્સર ફટકારશે તો તે મેક્કલમને પાછળ છોડી દેશે.
યશસ્વીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 1028 રન બનાવ્યા છે. યશસ્વીએ ટીમ ઈન્ડિયા માટે બેવડી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર અણનમ 214 રન રહ્યો છે. યશસ્વીએ ટીમ ઈન્ડિયા માટે 3 સદી અને 4 અડધી સદી ફટકારી છે. તેણે અત્યાર સુધી ટેસ્ટમાં કુલ 29 સિક્સર ફટકારી છે. યશસ્વીએ જુલાઈ 2023માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. હવે તે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરી શકે છે.
બાંગ્લાદેશ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો, રોહિત શર્મા યશસ્વી સાથે ઓપનિંગ કરી શકે છે. જ્યારે શુભમન ગિલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક મળી શકે છે. વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. આ સિવાય રિષભ પંતને વિકેટકીપર બેટ્સમેન તરીકે તક મળી શકે છે. જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવનું સ્થાન લગભગ નિશ્ચિત છે. ચેન્નાઈ ટેસ્ટ માટે રવિચંદનન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પણ મેદાનમાં આવી શકે છે.
આ પણ વાંચો : PHOTOS: રિષભ પંતથી લઈને શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ સુધી, આ યુવા ભારતીય ક્રિકેટરોની રૂમર્ડ ગર્લફ્રેન્ડને જાણો