ભારતીય ક્રિકેટ ટીમે ODI શ્રેણીની છેલ્લી મેચમાં બાંગ્લાદેશને 227 રને હરાવ્યું હતું. ભારતીય ટીમની આ વર્ષની આ છેલ્લી વન-ડે મેચ હતી. ટી-20 ઇન્ટરનેશનલમાં અસાધારણ રીતે સારો દેખાવ કરનાર વિરાટ કોહલીનું વન-ડે ફોર્મેટમાં ખરાબ વર્ષ રહ્યું છે. વનડેમાં તે આખા વર્ષ દરમિયાન તેની બેટિંગમાં સાતત્ય હાંસલ કરી શક્યો ન હતો. આ વર્ષે ODI અને T20 ઈન્ટરનેશનલમાં કોહલીના પ્રદર્શન પર નજર કરીએ.


કોહલીની આ વર્ષે વનડેમાં સરેરાશ 30થી ઓછી છે. કોહલીએ વર્ષની તેની છેલ્લી વન-ડેમાં સદી ફટકારી હોવા છતાં તેનું વર્ષ દરમિયાન વન-ડેમાં પ્રદર્શન સારુ રહ્યું નથી. તેણે 2022માં 11 ODI રમી જેમાં 27.45ની એવરેજ અને 87.03ની સ્ટ્રાઈક રેટથી 302 રન બનાવ્યા. આ દરમિયાન તે માત્ર એક સદી અને બે અડધી સદી ફટકારી શક્યો હતો. આ વર્ષે તેની ODI કારકિર્દીની અત્યાર સુધીની સૌથી ખરાબ સરેરાશ હતી. અગાઉ 2008માં તેની એવરેજ સૌથી ખરાબ (31.80) હતી.


કોહલી દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે સારુ પ્રદર્શન કરી શક્યો નથી. કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ત્રણ વનડેમાં 38.67ની સરેરાશથી 116 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે 76.32ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા.


આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતના પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમી હતી જેમાં કોહલી માત્ર 26 રન જ બનાવી શક્યો હતો. દરમિયાન તેમનો સ્કોર અનુક્રમે 8, 18 અને 0 હતો.


ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે કોહલીનું પ્રદર્શન


આ વર્ષે ભારતે જૂલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર વનડે શ્રેણી રમી હતી જેમાં કોહલીએ નિરાશ કર્યો હતો. કોહલીએ બે મેચમાં 16.50ની નબળી સરેરાશથી 33 રન બનાવ્યા હતા. દરમિયાન, તેનો સ્કોર 16 અને 17 હતો. બાંગ્લાદેશ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી વનડે શ્રેણીમાં કોહલીએ 42.33ની એવરેજથી 127 રન બનાવ્યા હતા. છેલ્લી ODIમાં સદી (113) ફટકારનાર કોહલીએ પ્રથમ મેચમાં 9 રન અને બીજી મેચમાં 5 રન બનાવ્યા હતા.


સદીના મામલે કોહલી પોન્ટિંગને પાછળ છોડ્યો


બાંગ્લાદેશ સામે કોહલીની સદી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 72મી સદી હતી. આ દરમિયાન તેણે સદીના મામલે રિકી પોન્ટિંગ (71 સદી)ને પાછળ છોડી દીધો છે. તે માત્ર સચિન તેંડુલકર (100) પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજા બેટ્સમેન બની ગયો છે.


કોહલીની વનડે કારકિર્દી શાનદાર રહી છે


34 વર્ષીય કોહલીએ તેની ODI કારકિર્દીમાં અત્યાર સુધીમાં 265 ODI રમી છે, જેમાં તેણે 256 ઇનિંગ્સમાં 57.47ની એવરેજથી 12,471 રન બનાવ્યા છે. તેના નામે 44 સદી ઉપરાંત 64 અડધી સદી પણ નોંધાયેલી છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે. ભારત માટે આ ફોર્મેટમાં 93.01ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનાર કોહલીએ અત્યાર સુધીમાં 1,172 ચોગ્ગા અને 127 છગ્ગા પણ ફટકાર્યા છે.


આ વર્ષે T20માં કોહલીનો દબદબો રહ્યો હતો


T20 ઈન્ટરનેશનલમાં કોહલી આ વર્ષે ભારત માટે સૂર્યકુમાર યાદવ (1,164) પછી બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ આ વર્ષે 20 મેચ રમી જેમાં 55.78ની પ્રભાવશાળી સરેરાશ અને 138.23ની સ્ટ્રાઈક રેટથી 781 રન બનાવ્યા. આ દરમિયાન તેણે એક સદી અને આઠ અડધી સદી ફટકારી છે. આ વર્ષે તેણે T20 ઈન્ટરનેશનલમાં 66 ફોર અને 26 સિક્સર ફટકારી છે.


T20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન


આ વખતે T20 વર્લ્ડ કપમાં કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે છ મેચમાં 98.66ની એવરેજ અને 136.40ની સ્ટ્રાઈક રેટથી 296 રન બનાવ્યા. દરમિયાન તેણે અણનમ 82 ના સર્વોચ્ચ સ્કોર સાથે ચાર અડધી સદી પણ ફટકારી હતી.


IPL 2022માં કોહલીનું પ્રદર્શન


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 કોહલી માટે કંઈ ખાસ ન હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા, તેણે 16 મેચોમાં 22.73ની એવરેજ અને 115.99ની સ્ટ્રાઈક રેટથી 341 રન બનાવ્યા. દરમિયાન તે 73ના સર્વોચ્ચ સ્કોર સાથે માત્ર બે અડધી સદી ફટકારી શક્યો હતો. તે ગત સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર 22મો ખેલાડી હતો. કોહલીએ તેની IPL કરિયરમાં અત્યાર સુધી 6,624 રન બનાવ્યા છે.