ભાવનગરઃ ગુજરાતના ઘણા ક્રિકેટરો ટીમ ઈન્ડિયા માટે રમે છે અને હવે તેમાં વધુ એક નામ ભાવનગરના અંશ ગોંસાઈનું ઉમેરાયું છે. ભાવનગરનો યુવા ક્રિકેટર અંશ ગોસાઈ અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે રમશે.
ભારતીય ક્રિકેટ ટીમના 5 ખેલાડીઓને કોરોના થતાં નવા 5 યુવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયા માટે રમવા વેસ્ટ ઇન્ડીઝ બોલાવાયા છે. આ યુવા ક્રિકેટરોમાં ભાવનગરના અંશ ગોસાઈને પણ વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા માટે રમવા પસંદ કરાયો છે.
અંડર-19 ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપમાં ભારતની ટીમમાં જોડાવા માટે અંશ ગોંસાઈ સહિત તમામ પાંચ ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ જવા રવાના થઇ ગયા છે. ભાવનગરના બેટસમેન અંશ ગોસાઇનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરાતા ભારતીય અન્ડર-19ની વર્લ્ડ કપની ટીમમાં રમવાનું અંશનુ સ્વપ્ન સાકાર થયું છે.
ભારતીય ક્રિકેટ ટીમના 5 ખેલાડીને કોરોના થયા બાદ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમના સ્થાને ઉદય સહારન (રાજસ્થાન), અભિષેક પોરેલ (બંગાળ), ઋષિથ રેડ્ડી (હૈદરાબાદ), અંશ ગોસાઈ (સૌરાષ્ટ્ર) અને પુષ્પેન્દ્રસિંહ રાઠોડ (રાજસ્થાન) એ પાંચ યુવા ક્રિકેટરનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરાયો છે.
અંશ ગોંસાઈએ અંડર-14માં સૌરાષ્ટ્ર વતી રમતા મહારાષ્ટ્ર સામે 200 રન ફટકારી પોતાની નોંધ લેવડાવી હતી. અંશ ગોસાઇએ પોતાના ઉજ્જવળ ભવિષ્યનો ચમકારો બતાવ્યા પછી અંડર-16માં બરોડા સામે 126 રન, અંડર-16માં જમ્મુ -કાશ્મીર સામે 93 રન, ચેલેન્જર ટ્રોફીમાં 49, 108, 98 રન નોંધાવ્યા હતા. એ પછી બાંગ્લાદેશ, ભારત-એ, ભારત-બી વચ્ચેની ત્રિકોણીય શ્રેણીમાં પસંદગી પામેલા અંશ ગોસાઇએ ભારત-બી વતી રમતા ભારત-એ સામે 91 રન ફટકારીને પસંદગીકારોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ હતું.
ભાવનગરના બેટસમેન અંશ ગોસાઇએ શાળા કક્ષાએ ચાર વર્ષ અગાઉ ક્રિકેટ રમવાની શરૂઆત કર્યા બાદ પાછુ વાળીને જોયુ નથી. તેણે સખ્ત મહેનતથી ક્રિકેટમાં આગેકૂચ કરી છે. અંશનું સ્વપ્ન હવે ખેલાનારા અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત વતી રમવાનું હતું કે જે સાકાર થું છે. હવે આઇપીએલમાં રમવાનું અંશનું સ્વપ્ન છે અને તેના માટે સતત મહેનત કરી રહ્યો છે.