સુરતઃ ઈંગ્લેન્ડના બર્મિંઘમ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓમાં સુરતના હરમીત દેસાઈનો પણ સમાવેશ થાય છે. હરમીતે કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનીસની રમતમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે આજે ગોલ્ડ મેડલ જીતનાર હરમીત વતન સુરતમાં પહોંચ્યો છે. મોડી સાંજે હરમીત દેસાઈ સુરત એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં તેને આવકારવા માટે હરમીતના પરિવારજનો પહોંચ્યા હતા.


ભારત માતા કી જય ના નારા સાથે કરાયું ભવ્ય સ્વાગતઃ


હરમીત દેસાઈએ ટેબલ ટેનીસમાં ગોલ્ડ મેડલ જીતીને સુરત, ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. ત્યારે હરમીત સુરત એરપોર્ટ પર પહોંચતાં એરપોર્ટ પર લાગ્યા ભારત માતા કી જય ના નારા લાગ્યા હતા. હરમીતને પરિવારજનો સહિત મિત્રોએ ઉત્સાહભેર આવકાર્યો હતો. દેશ માટે ગોલ્ડ મેડલ જીતી લાવેલ હરમીતને હાર પહેરાવીને વધાવી લેવાયો હતો. આ દરમિયાન હરમીત દેસાઈના પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.


ઓલમ્પિકમાં ગોલ્ડ લાવવાની ઈચ્છાઃ હરમીત


આ દરમિયાન હરમીતે જણાવ્યું હતું કે, ''કોમનવેલ્થમાં જતા પેહલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. હવે આગામી સમસાયમાં એશિયન ગેમ્સ આવે છે તેમાં પણ બેસ્ટ પરફોર્મ કરવાનો મારો લક્ષ્યાંક છે. તેમજ ઓલમ્પિકમાં પણ દેશ માટે ગોલ્ડ લાવવાની મહેચ્છા છે.''





ફાઈનલ મેચમાં સિંગાપુરને હરાવ્યું હતુંઃ


ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલ મેચમાં સિંગાપુરને હરાવ્યું હતું. ભારતે આ જીત સાતે ગોલ્ડ મેડલ પર કબ્જો કરી લીધો છે. ભારતે આ મેચમાં સિંગાપુરને 3-1થી હરાવ્યું હતું. આ ટેબલ ટેનિસની રમતમાં હરમીત દેસાઈએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 


ટીમ ઈન્ડિયા માટે હરમીત દેસાઈ અને સાથિયાન જ્ઞાનશેખરનની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જોડીએ સિંગાપુરના યોંગ ઈજાક ક્વેક અને યૂ એન કોએન પૈંગને હરાવ્યા હતા. ટીમ ઈવેન્ટની પ્રથમ ડબલ્સમાં સાથિયાન અને હરમીતની જોડીએ 3-1થી જીત નોંધાવી હતી. તેઓએ સિંગાપોરના યાંગ યેક અને યુ પેંગને 13-11, 11-7 અને 11-5થી હરાવ્યા હતા. આ પછી શરથ કમલને સિંગલ્સ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી સિંગલ્સમાં ભારતનો વિજય થયો હતો. જેમાં સાથિયાનો 3-1થી વિજય થયો હતો. તેણે ટીમને 2-1ની લીડ અપાવી હતી. અંતે હરમીતે તેની સિંગલ્સ મેચ જીતીને ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.