નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સ બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેના એલિમિનેટર મુકાબલામાં વિજય હાંસલ કરવાના મરણિયા પ્રયાસો કરશે. વર્તમાન સિઝનની શરૂઆતથી મોટા પાયે ફેરફારો કરનાર દિલ્હીની ટીમ શક્તિશાળી ટીમોમાંની એક રહી છે. આ ટીમને રિકી પોન્ટિંગ તથા સૌરવ ગાંગુલીના આક્રમક અભિગમનો ફાયદો થયો છે. જે ટીમ મેચ હાજશે તે ટીમ બહાર થઈ જશે.

14માંથી નવ વિજય અને પાંચ પરાજય બાદ 18 પોઈન્ટ હાંસલ કરનાર દિલ્હીની કમનસીબી એ રહી છે કે, તેણે કરો યા મરોનો એલિમિનેટર મુકાબલામાં રમવું પડેશે. હૈદરાબાદ કરતાં ત્રણ મેચ વધારે જીતી હોવા છતાં તેની સામે રમવું પડે છે. ચેન્નઈ સુપર કિંગ્સના પરાજયના કારણે દિલ્હીની ટીમને ભારે નુકસાન થયું છે. દિલ્હીની ટીમ ક્યારેય ફાઈનલમાં પહોંચી નથી અને પ્રથમ બે ટીમમાં ક્યારેય સ્થાન મેળવી શકી નથી.

2012 બાદ પ્રથમ વખત ટોચની ચાર ટીમમાં તેણે સ્થાન મેળવ્યું છે. ભારતીય ઓપનર શિખર ધવન અત્યાર સુધી 450 રન બનાવી ચૂક્યો છે. યુવા બેટ્સમેન પૃથ્વી શો, સુકાની શ્રેયસ ઐય્યર, રિષભ પંતે અણીના સમયે શાનદાર પ્રદર્શન રહ્યું છે. ઝડપી બોલર કાગિસો રબાડાની દિલ્હીને ખોટ પડશે. તે સાઉથ આફ્રિકા પરત ફર્યો છે. ડેવિડ વોર્નર તથા જોન બેરિસ્ટોની ગેરહાજરીના કારણે હૈદરાબાદની બેટિંગ નબળી પડી છે.

બોલિંગમાં સ્પિનર રશીદ ખાન, ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર તથા ખલીલ અહેમદે શાનદાર પ્રદર્શન કર્યું છે. કેન વિલિયમ્સનના સ્વરૂપે આક્રમક તથા આધારભૂત બેટ્સમેન છે. વિલિયમ્સને અત્યાર સુધી શાનદાર નેતૃત્વ પણ કર્યું છે. માર્ટિન ગુપ્ટિલ પાસે મોટી તથા આક્રમક ઇનિંગ્સની આશા રાખવામાં આવશે.