IPL 2019: એલિમિનેટર મુકાબલામાં દિલ્હીએ હૈદરાબાદને 2 વિકેટથી હરાવ્યું, ફાઇનલમાં પહોંચવા ચેન્નાઈ સામે જંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2019 07:17 AM (IST)
એલિમિનેટર મુકાબલામાં દિલ્હી સામે હાર સાથે જ સનરાઇઝર્સ ફાઇનલની દોડમાંથી બહાર ફેંકાઇ ગયું
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૨ના એલિમિનેટરના મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ હતી. સનરાઇઝર્સે મેચ જીતવા આપેલા 163 રનના લક્ષ્યાંકને દિલ્હીની ટીમે 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દિલ્હી તરફથી પૃથ્વી શૉએ 38 બોલમાં 56 રન બનાવ્યા હતા. રિષભ પંતે 21 બોલમાં 49 રન ફટકાર્યા હતા. સનરાઇઝર્સ તરફથી ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ અને રાશિદ ખાને 2-2 વિકેટ ઝડપી હતી. પંતે રમેલી વિસ્ફોટક ઈનિંગના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હાર સાથે જ સનરાઇઝર્સ ફાઇનલની દોડમાંથી બહાર ફેંકાઇ ગયું છે. રોમાંચક મેચમાં વિજય મેળવનારી દિલ્હી શુક્રવારના રોજ ક્વોલિફાયર-૨ના મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટકરાશે. દિલ્હી-ચેન્નાઈ વચ્ચેની મેચના વિજેતા ફાઇનલમાં મુંબઈ સામે રમશે. મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં વિકેટના નુકસાન પર રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી માર્ટિન ગપ્ટિલે 19 બોલમાં 36, વિજય શંકરે 11 બોલમાં 25, મનીષ પાંડેએ 36 બોલમાં 30, કેન વિલિયમ સને 27 બોલમાં 28 રન, મોહમ્મદ નબીએ 13 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી ઈશાંત શર્મા અને કિમો પોલે 2-2 તથા ટ્રેન્ટ બાઉલ્ટ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ હજુ સુધી ક્યારેય આઇપીએલની ફાઇનલમાં પહોંચી શકી નથી. આ વખતે તેઓ ૨૦૧૨ બાદ પ્રથમવાર પ્લે ઓફમાં રહ્યા હતા. વર્તમાન સિઝનનો દેખાવ જોવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ માટે આ વખતે ફાઇનલ સુધી પહોંચવાની પૂરી તક છે.