નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 12 મેના રોજ દિલ્હીની તમામ લોકસભા સીટો પર ચૂંટણી છે. જેને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલીલા મેદાનમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં દિલ્હીની સાત સીટના ઉમેદવારો પણ હાજર હતા. મોદીએ અહીંયા આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો તો કોંગ્રેસ પર સનસનીખેજ આરોપ પણ લગાવ્યો હતો.


વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધીએ પર INS વિરાટના દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નામદાર પરિવારે આઈએનએસ વિરાટનો વ્યક્તિગત ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો. રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા અને 10 દિવસની રજા ગાળવા ગયા ત્યારની આ વાત છે.

દેશની રક્ષા કરનારાને પોતાની જાગીર કોણ સમજતું હતું. રાજીવ ગાંધીની સાથે રજા ગાળનારામાં તેના સાસરિયા એટલેકે ઇટાલીના લોકો પણ સામેલ હતા. સવાલ એ છે કે શું વિદેશીઓને ભારતની વોરશિપ પર લઇ ગયા ત્યારે દેશની સુરક્ષા સાથે છેડછાડ નહોતી કરવામાં આવી? જ્યારે એક પરિવાર જ સર્વોચ્ચ થઇ જાય છે ત્યારે દેશની સુરક્ષા દાવ પર લાગી જાય છે.


પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ આજકાલ અચાનક ન્યાયની વાત કરવા લાગી છે પરંતુ તેમણે જણાવવું પડશે કે 1984ના શીખ રમખાણોમાં થયેલા અન્યાયનો હિસાબ કોણ આપશે ? કોંગ્રેસે દેશ સાથે જે અન્યાય કર્યો છે અમે તેને સતત ઓછો કરવાની કોશિશ કરી રહ્યા છે. મને સંતોષ છે કે ત્રણ દાયકા બાદ પ્રથમ વખત 84ના શીખ રમખાણોના ગુનેગારો સુધી કાનૂન પહોંચ્યું છે.


PM મોદીના ભાષણને સાંભળવા રામલીલા મેદાન પર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.