નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં આવતીકાલે ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને હરાવી ચૂકી છે. ભારત ટુનામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી. ટીમ ઇન્ડિયાએ બોલિંગ અને બેટિંગમાં ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે.રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. તેણે વર્લ્ડકપમાં બે સદી અને એક અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલી પણ ફોર્મમાં જોવા મળી રહ્યો છે જ્યારે ધવનના સ્થાને ઓપનિંગ કરનાર લોકેશ રાહુલનું પ્રદર્શન પણ દમદાર રહ્યું છે. તેમ છતાં અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઇન્ડિયા ત્રણ ફેરફાર કરી શકે છે.
શિખર ધવન બાદ ભુવનેશ્વર કુમાર જેવા મહત્વના ખેલાડી ઇજાગ્રસ્ત થયા બાદ ટીમ મેનેજમેન્ટ થોડી ચિંતામાં છે. ભુવનેશ્વરના સ્થાને મોહમ્મદ શમીને ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. મોહમ્મદ શમી વર્લ્ડકપમાં એક પણ મેચ રમ્યો નથી.
ધવન ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાહુલે પાકિસ્તાન વિરુદ્ધ ધવનની ગેરહાજરીમાં ઓપનિંગ કર્યું હતું. જ્યારે વિજય શંકરનો ચોથા ક્રમ માટે સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે પ્રેક્ટિસ સેશન દરમિયાન બુમરાહનો યોર્કર વાગવાના કારણે વિજય શંકર ઇજાગ્રસ્ત થતા તેને ટીમમાં સામેલ કરવા પર શંકા છે. જોકે, સૂત્રોના મતે ઇજા ગંભીર ન હોવાના કારણે વિજય શંકર અફઘાનિસ્તાન સામે રમી શકે છે. કુલદીપ યાદવ અને ચહલનું પ્રદર્શન પણ સારુ રહ્યું છે. જેથી તેમાંથી કોઇ એકને આરામ આપવા માટે ટીમ મેનેજમેન્ટ ત્રીજા વિકલ્પ જાડેજાનો ઉપયોગ કરી શકે છે.