નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે ઇન્ટરનેશનલ યોગ દિવસ પર એક મોટા ખુશીના સમાચાર મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિટિશ હેરાલ્ડના એક પોલમાં રીડર્સે 2019ના દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે પસંદ કર્યા છે. આ પોલમાં  મોદીએ દુનિયાના અન્ય શક્તિશાળી નેતાઓ રશિયન રાષ્ટ્રપતિ પુતિન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગને હાર આપી છે. નોમિનેશન લિસ્ટમાં દુનિયાની 25થી વધુ હસ્તીઓને સામેલ કરવામાં આવ્યા હતા અને જજ કરનારી પેનલ એક્સપર્ટ્સે સૌથી શક્તિશાળી  વ્યક્તિ માટે ચાર ઉમેદવારોના નામની પસંદગી કરી હતી. આ પસંદગી પ્રક્રિયાનું મૂલ્યાંકન  આ તમામ આંકડાઓના અભ્યાસ અને રિસર્ચ પર આધારિત હતું.


વોટિંગ માટે સામાન્ય પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. બ્રિટિશ હેરાલ્ડના રીડર્સે ફરજિયાત ઓટીપી પ્રોસેસ મારફતે મત આપવાનો હતો. આશ્વર્યની વાત એ છે કે મતદાન દરમિયાન સાઇટ ક્રેશ પણ થઇ ગઇ હતી કારણ  કે વોટર્સ પોતાની પસંદગીની હસ્તીને જીતાડવા માંગતા હતા. શનિવારે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં વડાપ્રધાન મોદીને પોલમાં સૌથી વધુ 30.9 ટકા મત મળ્યા હતા. તે પોતાના હરિફો પુતિન, ટ્રમ્પ અને જિનપિંગથી  ઘણા આગળ હતા. આ પોલમાં મોદી બાદ બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ પુતિન રહ્યા જેમને 29.9 ટકા મત મળ્યા. 21.9 ટકા લોકોને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને સૌથી શક્તિશાળી વ્યક્તિ માન્યા હતા. બાદમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનો નંબર આવે છે જેમને 18.1 ટકા લોકોએ મત આપ્યા. જૂલાઇનો આ અંક 15 જૂલાઇના રોજ રીલિઝ થશે.