નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલમાં હવે ન્યૂઝીલેન્ડની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ટકરશે. ફરી એકવાર બન્ને કટ્ટર હરિફો ફાઇનલમાં ટકરાશે, આ પહેલા બન્ને ટીમો વર્ષ 2015ના વનડે વર્લ્ડકપમાં ફાઇનલમાં આમને સામને થઇ હતી, અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યુ હતુ. ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે આ હારનો બદલો લેવાના મૂડમાં છે ત્યારે જ તેના માથે મોટી આફત આવીને ઉભી રહી ગઇ છે. રિપોર્ટ છે કે, ન્યૂઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન ડેવૉન કૉનવે ઇજાગ્રસ્ત થયો છે. 


કીવી ટીમનો સ્ટાર બેટ્સમેન ડેવૉન કૉનવેને હાથમાં ઇજા થઇ છે, જેના કારણે તે ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ નહીં રમી શકે. ફાઇનલ મેચ આગામી 14મી નવેમ્બરે દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ન્યુઝીલેન્ડ માટે માઠા સમાચાર છે કે, ડેવૉન કૉનવે ફાઈનલમાં નહીં રમે કેમ કે ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઈનલમાં આઉટ થયા બાદ તેને ગુસ્સા આવી જઇને બેટ પર હાથ મારતાં તેને ફ્રેક્ચર થયુ હતુ. ખાસ વાત છે કે, 


સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે, આ મેચમાં કૉનવેએ તાબડતોડ બેટિંગ કરતાં 38 બૉલમાં 46 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. જોકે ટીમની જીત થાય તે પહેલા આઉટ થઇને તેને પેવેલિયન જવુ પડ્યુ હતુ, આ વાતથી તે ખુબ ગુસ્સે ભરાયો હતો અને હાથ બેટ પર મારતા ઇજા થઇ હતી. આ વાતની પુષ્ટી હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કરી  છે.






પ્રથમ સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, અને બીજી સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને બીજી ટીમ તરીકે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, આ બન્ને ટીમો હવે આગામી 14 નવેમ્બરે દુબઇના મેદાનમાં ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવા ટકરાશે.