નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ગૃપ મેચોમાંથી ભારતીય ટીમ બહાર નીકળતી જતાં હવે ટીમ ઇન્ડિયા પર માછલા ધોવવા લાગ્યા છે. ક્રિકેટ ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજો ટીમમાં મોટાપાયે ફેરફારની માંગ કરી રહ્યાં છે, આ બધાની વચ્ચે સૌથી વધુ ટાર્ગેટ ગુજરાતી ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બની રહ્યો છે. ભારતે સૌપ્રથમ પાકિસ્તાન સામે અને બીજી ન્યૂઝીલેન્ડ સામે મેચ હાર્યા બાદ હાર્દિકની રમત પર સવાલો ઉઠ્વા લાગ્યા છે. હવે ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજો તેને ઓપ્શન શોધી રહ્યાં છે. આ મુદ્દે ખુદ પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પણ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હવે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ટી20 શ્રેણીની યજમાની કરવાની છે, જેના માટે BCCIએ 16 સભ્યોની T20 ટીમની જાહેરાત કરી છે. ત્યારે લક્ષ્મણના નિવેદનથી હડકંપ મચી ગયો છે.
આ સિરીઝ સાથે ભારતીય ક્રિકેટ ટીમનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે, જેમાં રાહુલ દ્રવિડ નવા મુખ્ય કોચની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે રોહિત શર્મા નવા ટી-20 કેપ્ટન તરીકે જોવા મળશે અને કેએલ રાહુલ વાઇસ-કેપ્ટન તરીકે જોવા મળશે.
પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે ટીમ ઇન્ડિયાના નવા ખેલાડીઓને લઇને મોટુ નિવેદન આપ્યુ છે, તેને ન્યૂઝીલેન્ડ સામે પસંદ કરાયેલી ભારતીય ટીમ અંગેના ફેરફારોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે- IPLમાં ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર મળતા જોઈને આનંદ થાય છે. આ ટીમમાં વેંકટેશ અય્યરને સામેલ કરવો ખુબ મહત્વનુ પગલુ ગણી શકાય છે. લક્ષ્ણણે કહ્યું કે જો વેંકેટેશ અય્યરને વધુ તક આપવામાં આવશે તો તે ટીમ ઇન્ડિયાનો બીજો ઘાતક ઓલરાઉન્ડર બની જશે, એટલે કે હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં સારુ પ્રદર્શન કરશે.
સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા તેણે કહ્યું, "મને લાગે છે કે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા તમામ ખેલાડીઓને ઈનામ આપવામાં આવ્યું છે, એટલું જ નહીં, પસંદગીકારોએ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડ કપને પણ ધ્યાનમાં લઈને પસંદગી કરી છે. લક્ષ્મણે પહેલીવાર ભારતીય ટીમમાં સામેલ કરાયેલા વેંકટેશ ઐયરની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે આગામી T20 વર્લ્ડ કપમાં ભારત માટે હાર્દિક પંડ્યાનો બેકઅપ બની શકે છે.
લક્ષ્મણે કહ્યું, 'હું વેંકટેશ અય્યર જેવા ખેલાડીને પોઝિશનથી મુક્તપણે બેટિંગ કરતો જોવા માંગુ છું. વેંકટેશ ઐયરે ફિટ રહેવું પડશે પરંતુ ટોપ ઓર્ડરમાં નહીં. તમે તેને 5 કે 6 નંબર પર બેટિંગ કરતા અને થોડી બોલિંગ કરતા જોવા માંગો છો. તે હાર્દિક પંડ્યાનો બેકઅપ બની શકે છે અને અમે તેને આગામી T20 વર્લ્ડ કપ સુધી ઓલરાઉન્ડર બનાવી શકીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયામાં આ વખતે પસંદગીકારોએ ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપ્યો છે, અને ટીમાં હર્ષલ પટેલ, વેંકટેશ અય્યર અને અવેશ ખાન જેવા યુવા ખેલાડીઓને પ્રથમ વખત સ્થાન આપવામાં આવ્યું છે. એટલુ જ નહીં ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ પણ ટીમમાં પરત ફર્યા છે.