નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની ઓળક બની ગયેલ હેલીકોપ્ટર શોટ ફટકારનાર મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું કે, તેનો આ શોટ રમવાની રીત ધોનીને પસંદ આવી છે. હાલની આઈપીએલ સીઝનમાં હાર્દિક પંડ્યા ફોર્મમાં છે અને 9 મેચમાં 194.64ની સ્ટ્રાઈક રેટ સાથે 218 રન બનાવ્યા છે. તેણે ગુરુવારા રાત્રે દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કાગિસો રબાડા વિરૂદ્ધ હેલીકોપ્ટર શોટ માર્યો હતો.



25 વર્ષના હાર્દિકે ગુરુવારે દિલ્હી કેપિટલ્સ સામે 15 બોલમાં 32 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સમાં હાર્દિકે ત્રણ સિક્સર ફટકારી હતી, જેમાં એક સિક્સર હેલિકોપ્ટર શોટ દ્વારા ફટકારી હતી. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 40 રને વિજય મેળવ્યો હતો.



મેચ પછી હાર્દિકે કહ્યું હતું કે, મેં ક્યારેય વિચાર કર્યો ન હતો કે હું હેલિકોપ્ટર શોટ ફટકારી શકીશ. હું નેટ્સ ઉપર તેની પ્રેક્ટિસ કરું છું. મેચ પછી ધોનીના રૂમમાં ગયો હતો અને તેને પુછ્યું હતું કે તેને મારો હેલિકોપ્ટર શોટ પસંદ આવ્યો તો તેણે કહ્યું હતું કે તે સારો હતો.

આ પહેલા હાર્દિકે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે પણ આ પ્રકારનો શોટ રમ્યો હતો. તે સમયે ધોની મેદાનમાં વિકેટકીપિંગ કરી રહ્યો હતો. તે સમયે હાર્દિકે કહ્યું હતું કે તે ઇચ્છતો હતો કે ધોની તેના હેલિકોપ્ટર શોટની પ્રશંસા કરે.