નવી દિલ્હીઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ મેન્ટલ કન્ડિશનિંગ કોચ પેડી અપટને તેના પુસ્તકમાં મહેન્દ્રસિંહ ધોની વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. અપટનના કહેવા પ્રમાણે, તેના કાર્યકાળ દરમિયાન ભારતની વન ડે ટીમના કેપ્ટન તરીકે ધોનીએ શરૂ કરેલી અનોખી સજાને કારણે કોઈ પણ ખેલાડી ક્યારેય પ્રેક્ટિસમાં મોડો પડતો જ નહતો.

ગેરી કર્સ્ટન ભારતીય ટીમનો કોચ હતો ત્યારે મેન્ટલ કન્ડિશનિંગ કોચ તરીકે પેડી અપટન હતો. અપટને તેના પુસ્તક 'બૅરફૂટ'માં લખ્યું છે કે, જ્યારે હું ભારતીય ટીમની સાથે જોડાયો ત્યારે અનિલ કુમ્બલે ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો અને ધોની વન ડે ટીમનો કેપ્ટન હતો. અમે ત્યારે ટીમમાં નવી જ વ્યવસ્થા ગોઠવી હતી.



અપટને કહ્યું કે, એક મિટિંગમાં અમારે ચર્ચા થઈ. લીડરશીપ તરફથી પૂછવામાં આવ્યું કે, શું પ્રેક્ટિસ સેશનમાં અને ટીમ મિટિંગ્સમાં સમયસર આવવું જરુરી છે? આ સવાલનો જવાબ બધાએ હકારમાં આપ્યો. એ પછી જે મોડા આવે તેને શું દંડ ફટકારવો? જે અંગે લાંબી ચર્ચા ચાલી.

ટેસ્ટ ટીમના કેપ્ટન કુમ્બલેએ ભલામણ કરી કે, જે ખેલાડી મોડો આવે તેને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વન ડે ટીમના કેપ્ટન ધોનીએ કહ્યું કે, જે ખેલાડી મોડો આવે તેને તો 10 હજાર રૂપિયા દંડ ફટકારવાનો જ પણ ટીમના અન્ય સભ્યોએ પણ 10-10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.



ધોનીના મતે ટીમમાં કોઈ મોડું પડે તો તે માટે ટીમ પોતે જ જવાબદાર કહેવાય. ધોનીની આ ભલામણ પછી કોઈ ક્યારેય મોડુ આવતું જ નહતું. પ્રેક્ટિસમાં તેમજ ટીમ મિટિંગમાં મોડા પડતા ખેલાડીઓને સુધારવા માટે ધોનીએ અપનાવેલો આ નુસખો રસપ્રદ સાબિત થયો હતો.