ભારતની અગ્રણી ખેલાડીઓમાંની એક આંતરરાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખે અહીં FIDE વર્લ્ડ વિમેન્સ ચેસ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, જેમાં તેણે ભારતની મહિલા ચેસ ખેલાડી ડી હરિકાને ટાઇબ્રેકમાં 2-0થી હરાવી હતી. ક્લાસિકલ ગેમ બે વાર ડ્રો થયા પછી હરિકા રેપિડ ટાઇબ્રેકમાં દબાણ હેઠળ હતી. દિવ્યાએ પહેલી ગેમ દૃઢ નિશ્ચય સાથે જીતી, જેનાથી હરિકા પર ઘણું દબાણ વધું. ત્યારબાદ દિવ્યાએ બીજી ગેમ પણ જીતીને મેચ જીતી લીધી હતી.
હરિકા ત્રણ અલગ-અલગ વખત સમાન ફોર્મેટમાં સેમિફાઇનલિસ્ટ રહી છે જેને તે સમયે વર્લ્ડ વિમેન્સ ચેમ્પિયનશિપ કહેવામાં આવતું હતું. હમ્પી અને હવે દિવ્યા બીજી ભારતીય બની ગઈ છે જેણે મહિલા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધા નવા વર્લ્ડ ચેમ્પિયનશિપ ચક્રનો ભાગ છે.
આનો અર્થ એ પણ થાય છે કે એક ભારતીય ખેલાડી આગામી વર્ષે મહિલા કેન્ડિડેટ્સ ટુનામેન્ટમાં પ્રવેશ કરશે, જે નક્કી કરશે કે વિશ્વ ચેમ્પિયનશિપમાં ચીનની જુ વેનજુનનો સામનો કોણ કરશે. એક દાયકાથી વધુ સમય માટે સર્વોચ્ચ ક્રમાંકિત ભારતીય કોનેરુ હમ્પી તેના કારકિર્દીમાં પહેલીવાર છેલ્લા ચારમાં પહોંચી છે. દિવ્યાનું સેમિફાઇનલમાં સામેલ થવું એ ભારતીય મહિલા ચેસમાં એક મોટો ફેરફાર છે જ્યાં પુરુષ ખેલાડીઓએ વધુ સફળતા મેળવી છે. હમ્પી સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત ચીનની લેઈ ટિંગજીનો સામનો કરશે જ્યારે દિવ્યાનો મુકાબલો ચીનની ભૂતપૂર્વ મહિલા વિશ્વ ચેમ્પિયન તાન ઝોંગી સામે થશે.
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં વિશ્વ ચેસ ચેમ્પિયન ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે ગ્રાન્ડ ચેસ ટૂર રેપિડ 2025ના ઝાગ્રેબ લેગમાં છઠ્ઠા રાઉન્ડમાં વિશ્વના નંબર વન ખેલાડી નોર્વેના મેગ્નસ કાર્લસને બ્લેક મોહરા સાથે હરાવ્યો હતો. તેણે 10 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાં ટોપ લીડ મેળવી હતી. પ્રથમ દિવસે ત્રણમાંથી બે મેચ જીતનાર ગુકેશે ચોથા અને પાંચમા રાઉન્ડમાં ઉઝબેકિસ્તાનના નોડિરબેક અબ્દુસત્તોરોવ અને અમેરિકન ગ્રાન્ડમાસ્ટર ફેબિયાનો કારુઆનાને હરાવ્યા હતા. આ ગુકેશનો કાર્લસન પર સતત બીજો વિજય છે. ગયા મહિને તેણે નોર્વે ચેસમાં કાર્લસનને હરાવ્યો હતો. ગુકેશનો પ્રથમ મેચમાં પોલેન્ડના ડુડા દ્વારા 59 ચાલમાં પરાજય થયો હતો. આ પછી ગુકેશે વાપસી કરી હતી. તેણે ફ્રાન્સના અલીરેઝા ફિરોઝા અને ભારતના જ પ્રજ્ઞાનંદને હરાવ્યો હતો.