ઈન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત 1877માં થઈ હતી. ત્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. લગભગ 94 વર્ષ સુધી ક્રિકેટનું આ ફોર્મેટ રહ્યું હતું. તે બાદ વન ડે ક્રિકેટ આવ્યું અને 21મી સદીમાં ટી-20 ક્રિકેટે પોતાની જગ્યા બનાવી. જોગાનુજોગ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચની જેમ પહેલી વનડે અને પહેલી ટી20 ઈન્ટનેશનલ મેચમાં સામેલ હતું. અને હવે તે જ ઈંગ્લેન્ડ 100 બોલ ક્રિકેટ લઈને આવી રહ્યું છે. અહેવાલ અનુસાર 3 ઓક્ટોબરે ટીમોની જાહેરાત અને ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ શરૂ થઈ જશે.
આમ તો 100 બોલ ક્રિકેટ ઘરેલું ક્લબ પહેલાંથી રમી રહ્યા છે. પણ હવે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ ક્લબ તેને મોટા પાયે લઈ જવા માટે નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડ હવે 100 બોલ ક્રિકેટને ટી20ની જેમ લોકપ્રિય બનાવવા ઈચ્છે છે. અને તેણે પોતાના દેશમાં આઈપીએલની જેમ 100 બોલ ક્રિકેટની લીગ કરાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ જોવા મળી શકે છે.
100 બોલ ક્રિકેટના 10 નિયમોઃ
– આ ફોર્મેટમાં દરેક ટીમ 100 બોલ રમશે. મેચમાં કુલ 200 બોલ ફેંકવામાં આવશે.
– આ ફોર્મેટમાં એક ઓવર 6 બોલની નહીં હોય.
– એક બોલર સતત 10 અથવા 5-5 બોલના બ્રેકઅપમાં બોલિંગ કરશે.
– એક બોલર વધુમાં વધુ 20 બોલ નાખશે. એટલે કે, મેચમાં ઓછામાં ઓછા 5 બોલરની જરૂર પડશે.
– બેટ્સમેન 10 બોલ બાદ પોતાની ક્રિઝ ચેન્જ કરશે. ટેસ્ટ, વનડે અને ટી20 ફોર્મેટમાં દરેક ઓવર બાદ ક્રિઝ ચેન્જ થાય છે.
– બોલિંગ ટીમને અઢી મિનિટનો સ્ટ્રેટેજિક ટાઈમ મળશે.
– દરેક ટીમ માટે 25 બોલનો પાવરપ્લે હશે.
– પાવરપ્લે દરમિયાન 30 યાર્ડના સર્કલની બહાર ફક્ત 2 ફિલ્ડર રહેશે.
– ટીમ ટાઈમઆઉટ કોલ કરવામાં સક્ષમ હશે. આઈપીએલમાં પણ આ નિયમ લાગુ છે.
– તેના આયોજકો સરળ સ્કોરબોર્ડ બનાવવાની પણ વાત કરી છે. પણ તેના વિશે હજુ વધારે જાણકારી આપવામાં આવી નથી.